મુંબઈઃ ડ્રગ્સના સેવન, વેચાણ-ખરીદની પ્રવૃત્તિઓએ બોલીવુડમાં ખળભળાટ મચાવી દીધો છે અને આ હિન્દી ફિલ્મ ઉદ્યોગને મોટા પાયે બદનામ કરી દીધો છે. સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પખવાડિયાથી જેલમાં છે અને નવોદિત અભિનેત્રી અનન્યા પાંડેનું પણ નામ આ કૌભાંડમાં ચમક્યું છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એજન્સીના અમલદારોએ ગઈ કાલે અનન્યા અને એનાં અભિનેતા પિતા ચંકી પાંડેને પૂછપરછ માટે કાર્યાલયમાં બોલાવ્યા હતા. એનસીબી એજન્સીએ આર્યન ખાનના ફોનમાંથી તેની અને અનન્યા વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ્સ મેળવી છે. તે વિશે ચર્ચા કરવા અનન્યાને કાર્યાલયમાં બોલાવવામાં આવી હતી.
એનસીબીની નિકટના સૂત્રોનું કહેવું છે કે આર્યન અને અનન્યાએ વોટ્સએપ ચેટ્સમાં ગાંજા વિશે ચર્ચા કરી હતી. એક ચેટમાં આર્યને અનન્યાને એમ પૂછ્યું હતું કે, શું ગાંજાની વ્યવસ્થા થઈ શકે એમ છે? એના જવાબમાં અનન્યાએ કહ્યું હતું કે પોતે વ્યવસ્થા કરી આપશે. જોકે તે ચેટ વિશે એનસીબી અધિકારીઓ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે અનન્યાએ કહ્યું કે એ તો એક મજાક હતી અને એનાથી વધારે બીજું કંઈ નહોતું. ડ્રગ્સને લગતા કેસમાં આર્યન ખાનની ગઈ 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી એ કસ્ટડીમાં છે. સ્થાનિક કોર્ટે એને 30 ઓક્ટોબર સુધી જેલમાં રાખવાનો આદેશ આપ્યો છે.