સરહદો પર પાકિસ્તાન-ચીનની લશ્કરી-પ્રવૃત્તિ વધીઃ ભારતની-ચિંતા વધી

નવી દિલ્હીઃ ચીન અને પાકિસ્તાન બંનેએ ભારત સાથેની સરહદ પર લશ્કરી પ્રવૃત્તિઓ વધારી દીધી છે એને કારણે ભારતીય સેનાની ચિંતા વધી ગઈ છે. છેલ્લા કેટલાક વખતથી ચીને લદાખમાં LAC (લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ) ખાતે લશ્કરી પ્રવૃત્તિ વધારી છે તો પાકિસ્તાને જમ્મુ-કશ્મીર સરહદે LoC (લાઈન ઓફ કન્ટ્રોલ) ખાતે વધારી છે.

સુરક્ષાની પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ આવતા સોમવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે. LoC ખાતે પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ શરતોનો અનેક વાર ભંગ કરવામાં આવ્યો છે. ચીન સાથે લશ્કરી સ્તરે વાટાઘાટના 13 રાઉન્ડ યોજાઈ ગયા છે, પરંતુ ચીની સૈન્ય પૂર્વીય લદાખ સેક્ટર નજીક પડાવ નાખીને બેઠા છે અને પાછા જવા તૈયાર નથી. કશ્મીર સરહદે પાકિસ્તાની સૈન્ય અને ત્રાસવાદીઓ સાથે ભારતીય સુરક્ષા જવાનોને અવારનવાર અથડામણો થયા કરે છે.