ચૂંટણી આયોગમાં ઘેરાઈ મોદી સરકાર, 24 કલાકમાં 4 નોટિસ

નવી દિલ્હીઃ આખા દેશમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને માહોલ ગરમાઈ રહ્યો છે. ત્યારે ચૂંટણી આયોગે પણ કડક વલણ અપનાવ્યું છે. આયોગની નજર વડાપ્રધાન મોદી પર પણ છે, એ જ કારણ છે કે છેલ્લા 24 કલાકમાં EC એ વડાપ્રધાન મોદી અને સરકારને ચાર-ચાર નોટિસ ફટકારી દીધી છે. કડકાઈ શબ્દોમાં ચૂંટણી આયોગે ખુલાસો માંગી લીધો છે અને આગળ માટે સંદેશ પણ આપી દીધો છે. પછી તે વડાપ્રધાનના જીવન પર બની રહેલી ફિલ્મ હોય, નીતિ આયોગના વાઈસ ચેરમેનનું નિવેદન અથવા મેં ભી ચોકીદાર કેમ્પેન વીડિયો, આ તમામ જગ્યાએ ઈલેક્શન કમીશને કડક વલણ અપનાવ્યું છે.

બુધવારના રોજ વડાપ્રધાન મોદીએ મિશન શક્તિની સફળતાની જાહેરાત માટે દેશને સંબોધન કર્યું. પરંતુ વડાપ્રધાનનું આ સંબોધન વિપક્ષી પાર્ટીઓને ન ગમ્યું અને તેમણે આની વિરુદ્ધ ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી દીધી. ઈલેક્શન કમીશન દ્વારા આના માટે વડાપ્રધાનના સંબોધનની તપાસ કરવાની વાત પણ કહેવામાં આવી છે. આના માટે વડાપ્રધાન મોદીના ભાષણની કોપીને તપાસવામાં આવશે. આયોગે આ માટે એક ટીમ બનાવી છે. લેફ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરીએ આ ભાષણ પર ફરિયાદ કરી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ન્યાય યોજનાની જાહેરાત કરવામાં આવ્યા બાદ રાજનૈતિક ભૂકંપ આવી ગયો. કોંગ્રેસની આ યોજનાની ટીકા કરનારામાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર પણ શામિલ હતા. તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે આ પ્રકારની યોજના ક્યારેય લાગૂ ન કરી શકાય.

આના પર ચૂંટણી આયોગે તેમની પાસેથી જવાબ માંગ્યો છે. હકીકતમાં વિપક્ષી પાર્ટીઓનો આરોપ હતો, કે રાજીવ કુમાર એક સંવૈધાનિક પદ પર છે અને આવામાં તેમણે રાજનૈતિક ટિપ્પણી ન કરવી જોઈએ.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા “ચોકીદાર ચોર હે” ના નારાના જવાબમાં વડાપ્રધાન દ્વારા લોન્ચ કરવામાં આવેલા “મેં ભી ચોકીદાર” ના કેમ્પેન પર પણ ચૂંટણી આયોગની નજર પડી. હકીકતમાં આ વીડિયોને બીજેપીની ચૂંટણી સમિતિના સભ્ય નીરજ કુમારે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો. હવે આયોગે એ વાત પર આપત્તિ વ્યક્ત કરી છે કે આ કેમ્પેનનો ચૂંટણીમાં ઉપયોગ કરતા પહેલા તેમની મંજૂરી નહોતી લેવામાં આવી, ત્યારે આવામાં આને લઈને નોટિસ આપવામાં આવી છે અને જવાબ પણ માંગવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બની રહેલી બોલીવુડ ફિલ્મ “પીએમ નરેન્દ્ર મોદી” ની મુશ્કેલીઓ પણ વધી રહી છે. આ ફિલ્મ 5 એપ્રિલના રોજ રિલીઝ થવાની છે. વિપક્ષી પાર્ટીઓએ આ મામલે કહ્યું કે આ એક પ્રોપગેન્ડા ફિલ્મ છે, એટલા માટે આને ચૂંટણીની તારીખો સુધી ટાળી દેવામાં આવે. આના પર સુનાવણી કરતા ચૂંટણી આયોગે ફિલ્મના તમામ પ્રોડ્યુસર્સને નોટિસ મોકલી છે અને વિસ્તારમાં જવાબ માંગ્યો છે. આપને જણાવી દઈએ કે ફિલ્મમાં વિવેક ઓબોરોય વડાપ્રધાન મોદીની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર પહેલા જ રિલીઝ થઈ ગયું છે અને સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યું છે.