ભાજપથી નારાજ શત્રુઘ્ન સિન્હા ૬ એપ્રિલે કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે

નવી દિલ્હી – ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં અને કોંગ્રેસમાંથી ભાજપમાં ‘આયારામ, ગયારામ’નો સિલસિલો જોરમાં ચાલી રહ્યો છે. એ અંતર્ગત પીઢ બોલીવૂડ નેતા શત્રુઘ્ન સિન્હા ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થવાના છે.

સિન્હા આજે નવી દિલ્હીમાં કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીને મળ્યા હતા અને ત્યારબાદ પત્રકારો સમક્ષ એમણે જાહેરાત કરી હતી કે પોતે સત્તાવાર રીતે 6 એપ્રિલે કોંગ્રેસમાં જોડાશે.

સિન્હાએ એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી સાથે એમની મુલાકાત સરસ રહી. બધું ઠીક છે, કોઈ ગડબડ નથી, પરિસ્થિતિ ગમે તેવી હશે, પણ હું પટના સાહિબ (બિહાર) બેઠક પરથી જ લોકસભા ચૂંટણી લડીશ.

ઉલ્લેખનીય છે કે ભાજપે પટના સાહિબ બેઠક માટે કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદને ઉમેદવાર ઘોષિત કર્યા છે. સિન્હાએ 2014ની ચૂંટણીમાં આ બેેઠક પરથી વિજય હાંસલ કર્યો હતો.

સિન્હાએ વધુમાં કહ્યું કે કોઈ પણ સારું કામ નવરાત્રીમાં કરાતું હોય છે એટલે હું નવરાત્રીમાં જ કોંગ્રેસમાં સત્તાવાર રીતે પ્રવેશ કરીશ.

શત્રુઘ્ન સિન્હા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના સિનિયર નેતા છે, પરંતુ છેલ્લા ઘણા વખતથી એ ભાજપથી અસંતુષ્ટ થયા છે.