ચૂંટણી પંચ તો PM મોદીનું ‘ગુલામ’ છે: ઉદ્ધવ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેના પ્રતિદ્વન્દ્વી એકનાથ શિંદેને શિવસેના પાર્ટીનું નામ અને તીર-ધનુષનું ચૂંટણી ચિહન આપી દીધું હતું. એના એક દિવસ પછી શનિવારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચ પર તેજ હુમલા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ગુલામ છે. એણે એવું કર્યું છે, જે પહલાં ક્યારેય નથી થયું.

તેમણે તેમના સમર્થકોને ધીરજ રાખવા અને આગામી ચૂંટણીની તૈયારી કરવાનો આગ્રહ કર્યો  હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી જલદી થવાની છે. તેમણે માતોશ્રીની બહાર પાર્ટીના કાર્યકર્તાઓનું શક્તિ પ્રદર્શન કર્યું હતું.

તેમણે તેમની કરાનું સનરૂફ ખોલીને બહાર ઊભા રહ્યા હતા. આ પ્રકારે લોકોને સંબોધિત કરીને તેમણે તેમના પિતા બાળ ઠાકરેની પરંપરા નિભાવી હતી. બાળ ઠાકરે પ્રારંભના દિવસોમાં કારની છત પરથી કાર્યકર્તાઓને સંબોધિત કરતા હતા. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર નિશાન સાધતાં કહ્યું હતું કે પાર્ટીનું ચૂંટણી ચિહન ચોરી થઈ ગયું છે અને ચોરને સબક શીખવાડવાની જરૂર છે.

ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને શુક્રવારે એક મોટો આંચકો આપડાં એકનાથ શિંદેને એ પાર્ટીની ઓળખ સોંપી હતી, જેને પિતાએ 1966માં સ્થાપિત કરી હતી. શિંદેએ આશરે આઠ મહિના પહેલાં ઉદ્ધવ ઠાકરે સરકારનું તખતાપલટ કર્યું હતું. જોકે ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચને આ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ ટોચની કોર્ટમાં નિર્ણયને પડકારશે.