નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એક વાર સમન્સ જારી કર્યા છે. EDએ કેજરીવાલને પૂછપરછ માટે પાંચમી વાર સમન્સ મોકલ્યા છે. આ પહેલાં EDના સમન્સને મુખ્ય મંત્રી કેજરીવાલે બદલાની કાર્યવાહી જણાવી હતી.
આ પહેલાં EDએ 17 જાન્યુઆરી, ત્રીજી જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને બીજી નવેમ્બરે દિલ્હીના CMને સમન્સ મોકલ્યા હતા, પણ તેઓ હાજર નહોતા થયા. EDના સતત સમન્સ જારી કર્યા પછી આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે આ સારી પ્રક્રિયા કેજરીવાલની ધરપકડ કરવા માટે કરવામાં આવી રહી છે. ED તેમને પૂછપરછને બહાને ધરપકડ કરવા ઇચ્છે છે. AAPનું કહેવું છે કે જો ED પૂછપરછ કરવા ઇચ્છે છે તો એ સવાલ લખીને કેજરીવાલને આપી શકે છે.
કેજરીવાલે EDને મોકલેલા જવાબમાં કહ્યું હતું કે એ દરેક કાનૂની સમન્સ માનવા માટે તૈયાર છે, પણ EDના આ સમન્સ પાછલા સમન્સની જેમ ગેરકાયદે છે. તેમણે એને રાજકારણથી પ્રેરિત બતાવતાં પરત લેવાની માગ કરી હતી. આ પહેલાં તેમણે કહ્યું હતું કે મેં મારું જીવન ઇમાનદારી અને પારદર્શક રીતે જીવ્યું છે અને મારી પાસે છુપાવવા માટે કંઈ નથી.
આ મામલે આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ કેસમાં ભૂતપૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયા ગયા વર્ષના ફેબ્રુઆરીથી જેલમાં બંધ છે અને ઓક્ટોબરથી પાર્ટીના નેતા સંજય સિંહની પણ ધરપકડ થઈ ચૂકી છે.