નવી દિલ્હીઃ દેશમાં મુસીબતો બેટેલિયનમાં આવી રહી હોય એવું લાગે છે. એક બાજુ કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે અને લોકડાઉનનો સમયગાળો ચાલી રહ્યો છે. આવામાં દિલ્હી, નોઇડા અને ગાઝિયાબાદ, ગુરુ ગ્રામની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા આવ્યા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5ની છે. જોકે લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. જોકે હજી સુધી જાનમાલના કોઈ અહેવાલ મળ્યા નથી. આ ભૂકંપને લીધે લોકો ઘરની બહાર આવી ગયા હતા.
ભૂકંપનું એપિ સેન્ટર પૂર્વ દિલ્હીમાં
દિલ્હી એનસીઆરમાં આ ભૂકંપનું એપિ સેન્ટર પૂર્વ દિલ્હીમાં છે. આ ભૂકંપ જમીનથી આઠ કિલોમીટર નીચે છે. પોણા છની આસપાસ આવ્યો હતો. આ ભૂકંપને કારણે લોકો ખૂબ ભયભીત થઈ ગયા છે. જોકે આ ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે લોકોએ રાહતના શ્વાસ લીધા હતા. નવી દિલ્હી નોઇડા અને ગાઝિયાબાદમાં આ ભૂકંપ લોકોએ અનુભવ્યો હતો. આ ભૂકંપને લઈને મુખ્અય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ પણ કર્યું હતું અને બધા હેમખેમ હોવાની પ્રાર્થના પણ કરી હતી.
દેશમાં એક બાજુ કોરોના વાઇરસને કારણે લોકડાઉન છે. જેને લીધે લોકો ઘરોમાં કેદ છે. ત્યારે આ નવી મુસીબતથી દેશવાસીઓમાં ખાસ કરીને દિલ્હીવાસીઓમાં ભયનો માહોલ ઊભો થયો છે.