લોકડાઉનઃ દેશભરમાં 20 લાખ ‘સુરક્ષા સ્ટોર્સ’ની યોજના

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર 21-દિવસનું લોકડાઉન 14 એપ્રિલે પૂરું થાય તે પછી એને બીજા બે અઠવાડિયા લંબાવવા વિચાર કરી રહી છે ત્યારે એ લોકડાઉન સમયગાળા દરમિયાન નાગરિકોને દૈનિક આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય મળી રહે એ માટે દેશભરમાં 20 લાખ જેટલા વિશેષ રીટેલ સ્ટોર્સ શરૂ કરવાનું વિચારે છે, જેનું નામ હશે ‘સુરક્ષા સ્ટોર્સ’.

સુરક્ષા સ્ટોર્સ યોજના અનુસાર, મહોલ્લાના કરિયાણા સ્ટોર્સને સેનિટાઈઝ કરેલા રીટેલ સ્ટોર્સમાં પરિવર્તિત કરી દેવામાં આવશે, જ્યાં કોરોનાનો ફેલાવો રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતા જેવા સુરક્ષા નિયમોનું પાલન કરીને દરરોજ આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

આ યોજનાને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર ખાનગી કંપનીઓનો સંપર્ક કરશે, જેથી કોરોના સામે લડવામાં ઉત્પાદનથી લઈને રીટેલ આઉટલેટ્સ સુધી ચીજવસ્તુઓની સપ્લાય ચેન જળવાઈ રહે.

આ સંદર્ભમાં કેન્દ્રના ગ્રાહક બાબતોના ખાતાના સચિવ પવનકુમાર અગ્રવાલે દેશની ટોચની FMCG કંપનીઓ સાથે ચર્ચાનો એક રાઉન્ડ કર્યો છે.

આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર આવતા 45 દિવસોમાં દેશભરમાં 20 લાખ સુરક્ષા સ્ટોર્સ નામે રીટેલ આઉટલેટ્સ શરૂ કરવા માગે છે. દરેક FMCG કંપનીને કદાચ એક કે બે રાજ્યની જવાબદારી સોંપવામાં આવશે જ્યાં તેઓ કોરોના વાઈરસ સામેની લડતના નિયમોને આધીન રહીને દરેક સ્ટોરને અસરકારક રીતે ચલાવવામાં સરકારને મદદ કરશે.

દરેક સુરક્ષા સ્ટોરે સરકારે નક્કી કરેલા આરોગ્ય અને સુરક્ષાના નિયમોનું પાલન કરવાનું રહેશે. એટલે કે, દુકાનની બહાર દોઢ મીટર જેટલું સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશે, ગ્રાહકોએ દુકાનની અંદર પ્રવેશતા પહેલાં સેનિટાઈઝરનો ઉપયોગ કરવો પડશે અથવા હાથ ધોવાના રહેશે, સ્ટોરના તમામ કર્મચારીઓએ માસ્ક પહેરવાના રહેશે.