સુપ્રીમ કોર્ટમાં EMI ના ભરનાર લોનધારકોનું વ્યાજ પણ માફ કરવા અરજી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને લીધે મોરિટોરિયમ સમયગાળા દરમ્યાન લોનના હપતા પર વ્યાજમાં છૂટ આપવાની માગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે બેન્કો અને નાણાસંસ્થાઓ પોતાની લોનોના લોનધારકોથી મોરિટોરિયમ સમયગાળા દરમ્યાન વ્યાજ પણ ના લે,પરંતુ અત્યાર સુધી સરકારે જાહેરાત કરી છે કે મોરિટોરિયમ સમયગાળામાં વ્યાજ ચૂકવવું પડશે.

અરજીકર્તાએ તર્ક આપ્યો છે કે નિયમિત હપતાની સાથે વધારાના વ્યાજની ચુકવણી કરવાનો કોઈ અર્થ નથી. એટલે રાજ્યની ફરજ છે કે સંકટના આ સમયમાં લોનધારકોને છૂટ આપવામાં આવે. જ્યારે લોકોની નોકરીઓ પર જોખમ ઝંળૂબી હોય અને તેમની આવક છીનવાઈ ગઈ હોય તો આવામાં લોનધારકોને છૂટ આપવી જોઈએ.

કોરોના વાઇરસ અને એની વ્યાપક અસરને ખાળવા માટે સરકાર પછી રિઝર્વ બેન્કે મોટું પગલું ભર્યું છે. રિઝર્વ બેન્કે મહત્ત્વના ધિરાણ દર એટલે કે રેપો રેટમાં 0.75 ટકાનો કાપ મૂક્યો છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રેપો રેટ5.15થી ઘટાડીને 4.4 ટકા કર્યો હતો. આ ઉપરાંત MPCના છ સભ્યોમાંથી ચાર સભ્યોએ વ્યાજદર ઘટાડવા મંજૂરી આપી હતી.