પટિયાલામાં નિહંગ શીખોનો પોલીસ પર હુમલોઃ ASIનો હાથ કાપ્યો

પટિયાલાઃ એક બાજુ દેશ આખો જ્યારે કોરોના સામે લડી રહ્યો છે ત્યારે પંજાબના પટિયાલા જિલ્લા સ્થિત સનૌરમાં જથ્થાબંધ શાકભાજી મંડીની બહાર નિહંગોએ પોલીસ પર હુમલો કર્યો હતો અને એક પોલીસ કર્મચારીનો હાથ કાપી નાખ્યો હતો. આ ઘટના સવારે છ વાગ્યે બની હતી. આ હુમલામાં કેટલાય પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. નિહંગોએ મંડી બોર્ડના એક અધિકારીને પણ ઘાયલ કર્યો હતો.

કરફ્યુ પાસ માગ્યો તો કર્યો હુમલો

પટિયાલાના વરિષ્ઠ પોલીસ અધિકારી મનદીપ સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે તેમને કરફ્યુ પાસ બતાવવા માટે કહેવામાં આવ્યું હતું, પણ તેમણે તેમની ગાડીથી પોલીસના બેરિકેડ્સને ટક્કર મારી હતી. ત્યાર બાદ નિહંગ શીખોએ પોલીસ પર તલવારથી હુમલો કર્યો હતો.

ASIનો હાથ કાપ્યો

નિહંગોએ તલવારથી  ASIના હાથનું કાંડું પણ કાપી નાખ્યું હતું.આ સિવાય અન્ય પોલીસ અધિકારીને હુમલામાં કોણી પાસે ઈજાઓ થઈ હતી. આ ASIને ચંડીગઢ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, ત્યાં તેમની પર સર્જરી કરવામાં આવી રહી છે. અન્ય ઘાયલોની પણ સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હુમલો કર્યા પછી નિહંગ એક ગુરુદ્વારામાં છુપાઈ ગયા હતા.તેમને શરણે આવવા માટે પોલીસ કહી રહી છે.

DGPએ ટ્વીટ કર્યું

પંજાબના DGP દિનકર ગુપ્તાએ આ ઘટના વિશે ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં નિહંગોના એક જૂથે પટિયાલા શાકભાજી મંડીમાં કેટલાક પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો હતો અને કેટલાક પોલીસ અધિકારીઓને ઘાયલ કર્યા હતા. તેમણે એ પણ કહ્યું હતું કે નિહંગ જૂથની ધરપકડ કરવામાં આવશે અને તેમની પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

એક અન્ય ટ્વીટમાં કહ્યું હતું કે ઘાયલ ASIને ચંડીગઢ લઈ જવાયા છે અને તેમની સાથે જે પોલીસ કર્મચારીઓ ઈજા પામ્યા છે, તેમને પણ સારવાર આપવામાં આવી રહી છે.