દેશમાં મોંઘવારીને લીધે લોકોની ખરીદશક્તિ ઘટી

નવી દિલ્હીઃ દેશમાં મોંઘવારીને લીધે લોકોની ખર્ચશક્તિ ઘટી ગઈ છે. દેશની 80 ટકા વસતિ દૈનિક રૂ. 163થી પણ ઓછો ખર્ચ કરી રહી છે. ભારતીયો તેમની કુલ આવકના સરેરાશ 30 ટકા હિસ્સો બહુ જરૂરી ચીજવસ્તુઓ પર ખર્ચ કરી રહ્યા છે, જેમાં ખાણીપીણીની ચીજવસ્તુઓ સામેલ છે. એની તુલનાએ ચીનમાં એવી ચીજવસ્તુઓ પર 10 ટકા ખર્ચ કરવામાં આવે છે.

વાસ્તવમાં મોટા ભાગના ભારતીયોની આવક એટલી ઓછી છે કે જરૂરી ચીજવસ્તુઓ પર તેમના ખર્ચનો હિસ્સો મોટો નજરે ચઢે છે. દેશમાં આશરે 116 કરોડ લોકો દૈનિક ધોરણે રૂ. 163 કરતાં પણ વધુ ઓછો ખર્ચ કરે છે. બીજી તરફ 20 લાખ લોકો એવા છે કે જે દૈનિક રૂ. 4000થી વધુ ખર્ચ કરે છે. તહેવારોની હાલની સીઝનમાં મોંઘી પ્રોડક્ટસની માગ ઓછી કિંમતવાળા માલસામાનની તુલનાએ વધુ છે, એમ પ્યુ રિસર્ચના ડેટા કહે છે.

કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓનું કહેવું છે કે આ વર્ષે તહેવારોમાં રૂ. 1.5 લાખથી વધુની પ્રોડક્ટ્સની નોંધપાત્ર માગ છે. બીજી બાજુ સેલ્સ ડેટા જણાવે છે કે રૂ. 8000થી ઓછી કિંમતના મોબાઇલ અને ઓછી કિંમતની બાઇકની માગ નબળી પડી છે. વિશ્લેષકોના જણાવ્યા મુજબ દેશમાં કેટલાક લોકોની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે દેશની મોટા ભાગની વસતિ દૈનિક ખર્ચ પણ મુશ્કેલીથી કાઢી રહી છે. ગોદરેજ એન્ડ બોયસ કંપનીના બિઝનેસ હેડ કહે છે કે જીવનજરૂરી ચીજવસ્તુઓનું વેચાણ ધીમી ઝડપે વધી રહ્યું છે.