લેફ્ટેનન્ટ-જનરલ અનિલ ચૌહાણ નિમાયા દેશના નવા CDS

નવી દિલ્હીઃ દેશના પ્રથમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપીન રાવતનું અકસ્માતમાં નિધન થવાથી ખાલી પડેલા આ પદ પર નવી નિમણૂક કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે લેફ્ટેનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત)ને ભારતના નવા સીડીએસ તરીકે નિયુક્ત કર્યા છે.

પ્રથમ સીડીએસ જનરલ બિપીન ચૌહાણનું ગયા વર્ષની 8 ડિસેમ્બરે તામિલનાડુમાં મિલિટ્રી હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું. એમની સાથે તે દુર્ઘટનામાં એમના પત્ની તથા અન્ય 12 લશ્કરી અધિકારીઓ તથા પાઈલટ પણ શહીદ થયા હતા. તેઓ એક મિલિટ્રી સ્ટાફ કોલેજમાં આયોજિત એક સમારંભમાં હાજરી આપવા ભારતીય હવાઈ દળના હેલિકોપ્ટરમાં જતા હતા ત્યારે જંગલમાં એમનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. 61 વર્ષના લેફ્ટેનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત) 40 વર્ષનો લશ્કરી અનુભવ ધરાવે છે. એમણે કારકિર્દી દરમિયાન અનેક પદ પર સેવા બજાવી છે. ખાસ કરીને જમ્મુ-કશ્મીર અને ઈશાન ભારતમાંની કાર્યવાહીઓમાં એમણે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. સ્વ. જનરલ બિપીન રાવતની જેમ લેફ્ટેનન્ટ જનરલ અનિલ ચૌહાણ પણ ઉત્તરાખંડના છે. તેઓ પૌડી ગઢવાલના વતની છે.