નવી દિલ્હીઃ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ અહમદનગરસ્થિત કેકે રેન્જમાં લેસર નિર્દેશિત ટેન્ક-વિરોધી ગાઈડેડ મિસાઇલનું અર્જુન ટેન્ક પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ ફાયર દરમ્યાન ટેન્ક-વિરોધી ગાઈડેડ મિસાઇલે ત્રણ કિલોમીટર દૂરના લક્ષ્ય પર સચોટ નિશાન સાધ્યું હતું. આ મિસાઇલને અનેક પ્લેટફોર્મથી લોન્ચ કરવાની ક્ષમતાની સાથે વિકસિત કરવામાં આવ્યું છે અને હજી એનાં પરીક્ષણ કરવામાં આવી રહ્યાં છે. DRDO ભારતના સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગ દ્વારા સંચાલિત એજન્સી છે.
આ મિસાઇલ પુણે સ્થિત આર્માંમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ARDE), હાઇ એનર્જી મટિરીયલ રિસર્ચ લેબોરેટરી અને દહેરાદૂન સ્થિત ઇન્સ્ટ્રુમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટે સાથે મળીને વિકસાવી છે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ટેન્ક-વિરોધી મિસાઇલના સફળ પરીક્ષણ માટે DRDOને અભિનંદન આપ્યા છે. DRDOના અધ્યક્ષે પણ મિસાઇલના સફળ પરીક્ષણ માટે બધા વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી છે.
Congratulations to @DRDO_India for successfully conducting test firing of Laser Guided Anti Tank Guided Missile from MBT Arjun at KK Ranges (ACC&S) in Ahmednagar.
India is proud of Team DRDO which is assiduously working towards reducing import dependency in the near future. pic.twitter.com/WuBivV7VYU
— Rajnath Singh (@rajnathsingh) September 23, 2020
ભારતની પાસે ‘નાગ’ જેવી ગાઇડેડ મિસાઇલ પહેલેથી જ છે. હાલ NAMICA મિસાઇલ કેરિયર (Nag Missile Carrier) પરથી છોડવામાં આવે છે. ‘નાગ’ મિસાઇલ મોટી-મોટી ટેંક્સને કોઈ પણ મોસમમાં નિશાન બનાવી શકે છે. આમાં ઇન્ફ્રારેડ પણ છે, જે લોન્ચથી પહેલાં લક્ષ્યને લોક કરે છે. આ મિસાઇલ અચાનક ઉપર ઊઠે છે અને પછી ઝડપથી એન્ગલ પર વળીને લક્ષ્ય તરફ જાય છે.
DRDOએ મંગળવાર પણ એક મોટી સફળતા હાંસલ કરી હતી. એણે ઓડિશાના બાલાસોરમાં સ્વદેશી ફાઈટર ડ્રોન ‘અભ્યાસ’ (હાઇ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ – HEAT)નું સફળ પરીક્ષણ કર્યું હતું. આ સ્વદેશી ડ્રોન તમામ પેરામીટર્સમાં સફળ રહ્યું હતું. આ મિસાઇલ વેહિકલ પાંચ કિલોમીટરની ઊંચાઈ પર ઊડી શકે છે. એની ઝડપ અવાજની ઝડપ કરતાં અડધી છે. આમાં 2G ક્ષમતા છે અને 30 મિનિટ સુધી ઓપરેટ કરવાની ક્ષમતા છે. ‘અભ્યાસ’ ડ્રોન ખતરાની જાણકારી આપે છે. આની મદદથી જુદી જુદી મિસાઈલો અથવા હવામાં ફાયર કરાતા શસ્ત્રોનું પરીક્ષણ કરી શકાય છે. ‘અભ્યાસ’ને ઓટોપાઈલટની મદદથી સ્વાયત્ત ઉડ્ડયન માટે તૈયાર કરવામાં આવ્યું છે.