કોરોના સંક્રમિતોની સંખ્યા 56 લાખને પારઃ સિરમે વેક્સિનનું ઉત્પાદન શરૂ કર્યું

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 56 લાખને પાર થયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 83,527 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1085 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત 21 દિવસથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 55,62,663 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 90,020 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 45,87,613 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,68,377 પહોંચી છે. રિકવરી રેટ વધીને 80 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.60 ટકા થયો છે.

સિરમે વેક્સિનનું ઉત્પાદન શરૂ કર્યું

સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ભારતમાં કોવિડ-19 વેક્સિનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ વેક્સિન ઉત્પાદનના મામલામાં દુનિયાની સૌથી મોટી કંપની છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના કોરોના વેક્સિન પ્રોજેક્ટમાં પાર્ટનર છે અને ભારતમાં આ વેક્સિનનું ટ્રાયલ કરાવી રહ્યું છે. ઓક્સફોર્ડની વેક્સિન સફળ થશે તો ભારતમાં તેની ઉપલબ્ધતામાં કોઈ મુશ્કેલી આવશે નહીં. આ કંપનીએ એસ્ટ્રાઝેનકા નામની એ કંપની સાથે ટાઇ-અપ કરી રાખ્યું છે, જે ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને વેક્સિન તૈયાર કરી રહી છે. ઓક્સફોર્ડનો પ્રોજેક્ટ સફળ થવાની સાથે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા વેક્સિનના 100 કરોડ ડોઝ તૈયાર કરશે. જેમાં 50 ટકા ભારત માટે હશે અને 50 ટકા ગરીબ અને મધ્યમ આવકવાળા દેશો માટે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.