બોલીવૂડ નિર્માતા અનુરાગ કશ્યપ સામે બળાત્કારની ફરિયાદ કરાઈ

મુંબઈઃ એક અભિનેત્રીએ પોતાની પર બળાત્કાર કર્યાની હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા-દિગ્દર્શક અનુરાગ કશ્યપ સામે મુંબઈ પોલીસમાં કાયદેસર ફરિયાદ નોંધાવી છે.

આ અભિનેત્રી પાયલ ઘોષ છે અને તે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનય માટે જાણીતી છે. અંધેરી (વેસ્ટ) ઉપનગરના વર્સોવા પોલીસ સ્ટેશને અભિનેત્રીની ફરિયાદને પગલે FIR ફાઈલ કરી છે. હવે કશ્યપની ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે.

પોલીસના જણાવ્યા મુજબ, અભિનેત્રી પાયલે ગયા શનિવારે એક ટ્વીટ કર્યું હતું કે કશ્યપે એની જાતીય સતામણી કરી હતી.

કશ્યપે તે આક્ષેપોને રદિયો આપ્યો હતો. એમને તેમની ભૂતપૂર્વ પત્ની કલ્કી કોએચલીન સહિત બોલીવૂડની અનેક હસ્તીઓએ ટેકો આપ્યો છે.

અભિનેત્રીનાં વકીલે વર્સોવા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે કશ્યપ સામે બળાત્કાર, ગેરકાયદેસર રીતે ગોંધી રાખવા અને સ્ત્રીનો વિનયભંગ કરવાની કલમ હેઠળ એફઆઈઆર નોંધી હતી. સાતપુતેએ બાદમાં એમના વેરીફાઈડ ટ્વિટર એકાઉન્ટ પર આ જાણકારી આપતું ટ્વીટ પણ કર્યું હતું. એમાં તેમણે પાયલ ઘોષને ટેગ કરી છે.

પોલીસે ફરિયાદી મહિલાનું નિવેદન રેકોર્ડ કર્યું છે. તેનો આરોપ છે કે કશ્યપે 2013ની સાલમાં વર્સોવા વિસ્તારમાં આવેલા યારી રોડ સ્થિત એમના નિવાસસ્થાને તેની પર બળાત્કાર કર્યો હતો.

અભિનેત્રીએ આ પહેલાં એવો આરોપ મૂક્યો હતો કે કશ્યપે એની છેડતી કરી હતી.

પોલીસે કહ્યું કે હવે આ સંબંધમાં પૂછપરછ માટે કશ્યપને બોલાવવામાં આવશે.

ગયા શનિવારે તે અભિનેત્રીએ પોતાનાં ટ્વીટમાં વડા પ્રધાનના કાર્યાલય અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને કશ્યપ સામે પગલું ભરવાની વિનંતી કરી હતી. મહિલાઓનાં અધિકારોનાં રક્ષણ માટે રચાયેલ રાષ્ટ્રીય પંચનાં અધ્યક્ષા રેખા શર્માએ પણ તરત જ એના પ્રતિસાદમાં ટ્વીટ કરીને લખ્યું હતું કે અભિનેત્રી મને આ વિશે વિગતવાર ફરિયાદ મોકલી શકે છે.

આ છે પાયલનું તે ટ્વીટ…

અનુરાગ કશ્યપે ‘ગુલાલ’, ‘દેવ.ડી’, ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘બોમ્બે ટોકિઝ’, ‘અગ્લી’, ‘રામન રાઘવ 2.0’, ‘મુક્કાબાઝ’, ‘મનમરઝિયાં’ જેવી ફિલ્મો બનાવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]