દીપિકા, સારા, શ્રદ્ધા, રકુલને પૂછપરછ માટે હાજર થવાનું સમન્સ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત મોતના કેસમાં જોડાયેલા ડ્રગ્સના મામલાની તપાસમાં એક આશ્ચર્યજનક વળાંક આવ્યો છે, જેમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ બોલીવૂડ અભિનેત્રીઓ – દીપિકા પદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલપ્રીત સિંહ સહિત સાત જણને પૂછપરછ માટે હાજર થવાનું સમન્સ મોકલ્યું છે. અભિનેત્રીઓને આગામી ત્રણ દિવસમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે. દીપિકાની શુક્રવારે, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની 26 સપ્ટેમ્બરે પૂછપરછ કરવામાં આવશે, જ્યારે રકુલ પ્રીત અને સિમોન ખંભાતાની આવતી કાલે પૂછપરછ કરવામાં આવશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ અભિનેત્રીઓએ ડ્રગ્સ માગી હોવાની એમનાં વિશેની બાતમી મળી છે અને એના સંબંધમાં પૂછપરછ કરવામાં આવશે. અત્યાર સુધી આ મામલે 18 જણની ધરપકડ થઈ ચૂકી છે.

સુશાંત મોતના મામલે તપાસનો દાયરો વધવાથી અને એમાં ડ્રગ્સનો એન્ગલ જોડાયા પછી બોલિવુડના કેટલાય મોટાં નામ આ મામલે સામે આવ્યાં છે. સુશાંત સિંહ રાજપૂત 14 જૂને તેના મુંબઈસ્થિત ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

ગઈ કાલે NCBએ રિયા ચક્રવર્તીના મોબાઇલથી પ્રાપ્ત કરેલા વોટ્સએપ ચેટને આધારે દીપિકા પદુકોણના મેનેજર કરિશ્મા પ્રકાશની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ડ્રગ્સની આપ-લે મુદ્દે વાતચીત થઈ હતી.

આ ઉપરાંત NCBને કરિશ્મા પ્રકાશના ફોન પર વોટ્સએપ ચેટ મળ્યા છે, જે ડ્રગ્સની વ્યવસ્થા કરવા માટે એક D અને Kની વચ્ચેની વાતચીત માલૂમ પડે છે.

28 વર્ષીય એક્ટર રિયા ચક્રવર્તીની ઊલટતપાસ દરમ્યાન 59 ગ્રામ મારીજુઆના જપ્ત કર્યા પછી એની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર એન્ટિ-ડ્રગ્સ એજન્સી દ્વારા બોલિવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત- તેના પ્રેમી માટે ડ્રગ્સની વ્યવસ્થા કરવાનો આરોપ છે.

તેને અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીને છ ઓક્ટોબર સુધી જેલમાં મોકલી દેવામાં આવ્યાં છે. સુશાંત સિંહ રાજપૂતના બે કર્મચારી અને ફિલ્મ લાઇનમાં જોડાયેલા ડ્રગ ડીલરની પણ ધરપકડ કરાયેલા લોકોમાં સામેલ છે.

સુશાંત સિંહ રાજપૂતના બંને સહ કલાકારો- સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરનાં નામ રિયા ચક્રવર્તીની પૂછપરછ દરમ્યાન સામે આવ્યાં હોવાનું કહેવાય છે.

NCBના સૂત્રોનું કહેવું છે કે બધાની સામે પુરાવા એકત્ર કરી લેવામાં આવ્યા છે. કેટલાય લોકોનાં નિવેદનો નોંધવામાં આવી ચૂક્યાં છે. રિયા ચક્રવર્તીનું નિવેદન પણ આ મામલે નોંધવામાં આવ્યું છે. NCBએ આ સ્ટાર્સની સામે પુરાવા એકત્ર કરતાં પહેલાં અનેક ડ્રગ્સ પેડલર્સની પૂછપરછ કરી હતી.