મુંબઈ એરપોર્ટ પર ડિજિટલ ખંડણીઃ 20 અધિકારીની બદલી

મુંબઈઃ અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે અમુક કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા જ વિમાન પ્રવાસીઓ સાથે ડિજિટલ ખંડણીના ગુના આચરવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. આ મામલે કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું. આખરે તંત્રએ સપાટો બોલાવીને 20 કસ્ટમ્સ સુપ્રીન્ટેન્ડન્ટ્સની વાર્ષિક સામાન્ય બદલી પ્રક્રિયા પૂર્વે જ બદલી કરી દેવામાં આવી છે.

આ અધિકારીઓ તલાશી, ગુપ્તચર અને એર કાર્ગો વિભાગોમાં હતા. ડિજિટલ ખંડણીનું કૌભાંડ ચલાવાતું હોવાનું માલૂમ પડ્યા બાદ કસ્ટમ્સ વિભાગે પોતાના જ નાલાયક અધિકારીઓની વિરુદ્ધ મોટા પાયે અને અત્યંત કડક ઓપરેશન હાથ ધર્યું હતું. 20 અધિકારીઓની બદલી કરી દેવાયા બાદ એમની જગ્યાએ નવા અધિકારીઓની પસંદગી કરવામાં એમના બેકગ્રાઉન્ડનું ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવ્યું છે.

ઉચ્ચ પદ પર રહેલા અમુક કસ્ટમ્સ અધિકારીઓ વિમાન પ્રવાસીઓ પાસે ડિજિટલ ખંડણીની માગણી કરીને એમને પરેશાન કરતાં હોવાના કિસ્સાઓ વધી ગયા હતા. તે અધિકારીઓ સોનાની દાણચોરીના નકલી કેસના બહાને પ્રવાસીઓને ધમકાવી પૈસા વસૂલ કરતા હતા. એ માટે અધિકારીઓ લોડર્સ (માલ ઉતારનારાઓ)ના ગૂગલ-પે એકાઉન્ટ્સનો ઉપયોગ કરતા હતા. છેલ્લા 60 દિવસમાં આવા 13 ગુના નોંધાયા હતા. ઘણા કેસોમાં આવા અધિકારીઓ પ્રવાસીઓને એમની પર ખોટા કેસ લગાડીને એમને ધમકી આપતા હતા.