કેટલાંક નામ, ડબ્બા ટ્રેડિંગથી સાવધ રહેવાની શેરબજારના રોકાણકારોને ચેતવણી

મુંબઈઃ શેરબજારમાં રોકાણ કે ટ્રેડિંગ કરવા બાબતમાં “શ્રી પારસનાથ કોમોડિટી પ્રાઈવેટ લિમિટેડ”, “શ્રી પારસનાથ બુલિયન પ્રાઈવેટ લિમિટેડ” અને “ફેરી ટેલ ટ્રેડિંગ પ્રાઈવેટ લિમિટેડ” “ડિસન્ટ વેલ્થ મેનેજમેન્ટ” અને “મની ફોરેસ્ટ” નામ તમારા ધ્યાનમાં આવે યા તમારી સમક્ષ આ નામો સાથે કોઈ ગેરેન્ટેડ રિટર્નની ઓફર આવે તો સજાગ થઈ જજો, આ નામો સાથે જોડાયેલી કેટલીક હસ્તીઓ ચોકકસ મોબાઈલ નંબરથી રોકાણકારોને ખાતરીબંધ વળતરની ઓફર આપી રહી છે, જેમાં રોકાણકારો ફસાઈ જશે તો તેમને એકસચેંજ કે અન્ય નિયમન સંસ્થા તરફથી કોઈ રક્ષણ મળી શકશે નહી. આવી કથિત કંપનીઓ સાથે સંકળાયેલી હસ્તીઓમાં કીર્તિ પટેલ (મોબાઈલ નંબર “9016478696” અને  “7862029937”) સિક્યિરિટીઝ બજારમાં રોકાણકારોને ટીપ્સ અને રોકાણ પર ખાતરીબંધ વળતર ઓફર કરી લલચાવે છે એવું નેશનલ સ્ટોક એકસચેંજ (એનએસઈ)ના ધ્યાનમાં આવ્યું છે. આ માટે નેશનલ સ્ટોક એકસચેંજ તરફથી રોકાણકારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ આવી ખાતરીબંધ વળતરની યોજનાઓ અને પ્રોડક્ટ્સમાં રોકાણ ન કરે, કારણ કે તેના પર કાનૂની પ્રતિબંધ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના કોઈ પણ રજિસ્ટર્ડ મેમ્બર કે રજિસ્ટર્ડ મેમ્બરના અધિકૃત વ્યક્તિ તરીકે રજિસ્ટર્ડ નથી. આ માહિતી એનએસઈની અખબારી યાદીમાં અપાઈ છે.

આ ઉપરાંત અમુક હસ્તીઓ  9311846594, 8178244970, 9354777452, 9911454997, 8076002410, 011-43037399, 011-61331024, 011-61331028, 011-41320191 નંબરો સાથે અને “parasnathcommodity” નામની ટેલિગ્રામ ચેનલ સાથે ગેરંટેડ રિટર્ન્સ સાથે ડબ્બા/ગેરકાયદેસર વેપારની પ્રવૃત્તિઓ પણ કરે છે.

સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, 1956 (એસસીઆરએ)ની કલમ 23(1)ની જોગવાઈઓ મુજબ કોઈપણ સંસ્થા/વ્યક્તિ કે જે એસસીઆરએની કલમ 13, 16, 17 અથવા 19નું ઉલ્લંઘન કરે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને જો તે દોષિત ઠરશે તો તેને દસ વર્ષ સુધીનો જેલવાસ અથવા રૂ. 25 કરોડ સુધીનો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. એસસીઆરએની કલમ 25 મુજબ, કલમ 23 હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ ક્રિમિનલ પ્રોસિજર કોડ, 1973ના અર્થમાં કોગ્નિઝેબલ અપરાધો છે અને તે માટે રાજ્યના કાયદાપાલક સત્તાધીશો પણ તેમાં તપાસ કરી શકે છે. સિક્યોરિટીઝ કાયદાઓનું ઉલ્લંઘન કરવા ઉપરાંત, ડબ્બા ટ્રેડિંગ ભારતીય દંડ સંહિતા, 1870ની કલમ 406,420 અને કલમ 120-બીના કાર્યક્ષેત્રમાં પણ આવે છે.