કેજરીવાલ સામે ભાજપ કોંગ્રેસમાંથી કોઈ મોટા ચહેરાને ટીકિટ નહી, શું છે સમીકરણો?

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી સીટ પર બધાની નજર છે. આ સીટ પર આજે અરવિંદ કેજરીવાલ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે જશે. કેજરીવાલને ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાનું હતું પરંતુ રોડ શો માં વધારે સમય વીતી જવાના કારણે તેઓ પોતાની ઉમેદવારી ન નોંધાવી શક્યા. નવી દિલ્હી વિધાનસભા સીટ દેશની સૌથી વીઆઈપી વિધાનસભા સીટ માનવામાં આવે છે. કારણ કે આ વિસ્તારમાં લુટિયન દિલ્હીનો એક મોટો વિસ્તાj આવે છે, જેમાં સાંસદો અને અધિકારીઓ રહે છે.

આ એ જ સીટ છે કે જેણે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલના રાજનૈતિક કરિયરને એક નવી ઓળખ અને સ્ટેન્ડ આપ્યું છે. કેજરીવાલે આ સીટ પરથી વર્ષ 2013 ની ચૂંટણીમાં તત્કાલીન મુખ્યમંત્રી શીલા દીક્ષિતને હરાવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2015 ની ચૂંટણીમાં તેમણે ભાજપના નૂપુર શર્માને હરાવ્યા હતા. માનવામાં આવી રહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ બંન્ને જ સીટ પર કોઈ મોટા ચહેરાને મેદાનમાં ઉતારશે જેથી આ સીટ પર કેજરીવાલને ટક્કર આપી શકાય અને અરવિંદ કેજરીવાલને જ અહીંયા જ ઘેરી લેવામાં આવે. પરંતુ લાગી રહ્યું છે કે બંન્ને પાર્ટીઓએ એક પ્રકારે અહીંયા વોકઓવર આપ્યું છે અને એવા નેતાઓને આપ્યું છે કે જે કોઈ મોટો ચહેરો નથી.

ભારતીય જનતા યુવા મોર્ચાના અધ્યક્ષ સુનીલ યાદવને ભાજપાએ કેજરીવાલ વિરુદ્ધ મેદાને ઉતાર્યા છે. સુનીલ યાદવ વકીલ અને સામાજીક કાર્યકર્તા છે. ભારતીય જનતા યુવા મોર્ચામાં મંડલ અધ્યક્ષ તરીકે તેમણે શરુઆત કરી હતી. સુનીલ યાદવ આ પહેલા દિલ્હી ભાજપમાં સચિવ પણ રહ્યા છે. જોરદાર યુવા છબી ધરાવતા સુનીલ યાદવ DDCA માં પણ ડાયરેક્ટર તરીકે જોડાયેલા રહ્યા હતા.

નવી દિલ્હી સીટ પરથી કોંગ્રેસે રોમેશ સભરવાલને મેદાને ઉતાર્યા છે. તેઓ 40 વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં એક જ ચરણમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. મતદાન બાદ 11 ફેબ્રુઆરીના રોજ પરિણામોની જાહેરાત કરવામાં આવશે. દિલ્હીમાં વિધાનસભાની 70 સીટો છે, જેમાંથી 58 સામાન્ય શ્રેણીની છે જ્યારે 12 સીટો અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે.