રોડ શો માં થયું મોડુંઃ કેજરીવાલ ન નોંધાવી શક્યા ઉમેદવારી

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પોતાની ઉમેદવારી નોંધાવી શક્યા નથી. રોડ શો માં વધારે સમય વ્યતિત થઈ જવાના કારણે અરવિંદ કેજરીવાલ આજે પોતાની ઉમેદવારી નોંધાવી શક્યા નહોતા. કનોટ પ્લેસમાં રોડ શો પૂર્ણ કર્યા બાદ તેમણે કહ્યું કે, ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારી નોંધાવવાનો સમય હતો. હવે તેઓ આવતીકાલે આખા પરિવાર સાથે નવી દિલ્હી વિધાનસભા સીટ માટે ઉમેદવારી નોંધાવશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રોડ શો દરમિયાન જનતાએ મારા પ્રત્યે ખૂબ પ્રેમ દર્શાવ્યો એટલા માટે હું જનતાને છોડીને ઉમેદવારી નોંધાવવા માટે ન જઈ શક્યો. આવતા પાંચ વર્ષ પણ આ જ પ્રકારે દિલ્હીમાં વિકાસ થશે. તેમણે કહ્યું કે, તેઓ આજે ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા હતા. પરંતુ તેમને જણાવવામાં આવ્યું કે, કાર્યાલય બપોરે 3 વાગ્યે બંધ થઈ ગયું છે. હું રોડ શો માં ઉપસ્થિત લોકોને કેવી રીતે છોડી શકું? એટલા માટે હવે ઉમેદવારી આવતીકાલે નોંધાવીશ.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે વાલ્મીકિ મંદીરમાં પૂજા-અર્ચના કર્યા બાદ રોડ-શો શરુ કર્યો. આ પ્રસંગે તેમના પરિવાર સીવાય ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સંજય સિંહ સહિત પાર્ટીના ઘણા નેતા અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. રોડ-શો માં મોટી સંખ્યામાં સ્થાનિય લોકો પણ પહોંચ્યા હતા.

કેજરીવાલનો રોડ શો નક્કી કાર્યક્રમ અનુસાર પટેલ ચોક પર ખતમ થવાનો હતો પરંતુ તેમણે કનોટ પ્લેસના હનુમાન મંદિર પર જ ખતમ કરી દીધો અને તેઓ ત્યાંથી નિકળી ગયા. હકીકતમાં રોડ શો બાદ તેમને ઉમેદવારી નોંધાવવાની હતી પરંતુ સમય ત્રણ વાગ્યા સુધીનો જ નક્કી છે. ત્યારે સમય ન હોવાના કારણે તેમણે પોતાની ઉમેદવારી નોંધાવવાનું ટાળી દીધું અને મંગળવારના રોજ ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કર્યો.

નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રથી કેજરીવાલ સતત ત્રીજીવાર આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. બેવાર તેમણે આ જ સીટ પરથી જીત નોંધાવી હતી. આ પહેલા તેમણે વર્ષ 2013 માં તત્કાલીન મુખ્યમંત્રી શીલા દીક્ષિત વિરુદ્ધ પ્રથમ ઉમેદવારી નોંધાવી હતી અને જીત મેળવી હતી. વર્ષ 2015 માં નવી દિલ્હી વિધાનસભાથી જીત નોંધાવી હતી અને બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા. આપના નેતાઓનું કહેવું છે કે આ વખતે ફરીથી જીત નોંધાવીને હેટ્રિક લગાવવાની તૈયારી છે.