યુવાનો માતૃભાષાની ડીક્શનરી ફોનમાં જ રાખેઃ વડાપ્રધાન મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર સાથે પરીક્ષા પે ચર્ચા કરી હતી. દિલ્હીના તાલકટોરા ઈનડોર સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાને વિદ્યાર્થીઓને નિષ્ફળતાઓનો સામનો કરવા માટે કેટલાક ગુરૂમંત્રો આપ્યા હતાં. આ દરમિયાન વડાપ્રધાને ચંદ્રયાનને લઈને રહસ્ય ખોલ્યું હતું.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, નિષ્ફળતાઓમાંથી જ સફળતાની પ્રેરણા મળે છે. તેમણે વિદ્યાર્થીઓ સાથે સિક્રેટ શેર કરતા કહ્યું હતું કે, તેમને ત્યાં જવાની ના પાડવામાં આવી હતી. વૈજ્ઞાનિકોના હતાશ ચહેરા જોઈ હું રાત આખી ઉંઘી પણ નહોતો શક્યો.

પરીક્ષા પે ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓના સવાલોનો જવાબ આપી રહ્યાં હતાં. આ દરમિયાન રાજસ્થાનના સ્વામી વિવેકાનંદ ગવર્મેંટ મોડલ સ્કૂલના 10મા ધોરણની વિદ્યાર્થી યશશ્રીએ પીએમ મોદીને સવાલ કર્યો હતો કે, બોર્ડની પરીક્ષાનું નામ સાંભળતા જ તેનો મૂડ ખરાબ થઈ જાય છે. આ ડરથી બહાર આવવાના ઉપાય જણાવો. જેને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, હું વિચારતો હતો કે, યુવાઓએ મુડ ઓફ થવુ જ ના જોઈએ.

  • પીએમ મોદીએ કહ્યું કે ગત શતાબ્દીના અંતિમ કાલખંડ અને આ શતાબ્દીના આરંભ કાલખંડમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીએ જીવનને બદલી નાખ્યું છે. એટલા માટે ટેક્નોલોજીનો ભય ક્યારેય પોતાના જીવનમાં આવવા દેવો ન જોઇએ. ટેક્નોલોજીને આપણે આપણો મિત્ર ગણીએ, બદલાતી ટેક્નોલોજીની આપણે પહેલાંથી જાણકારી મેળવીએ તે જરૂરી છે.
  • પીએમ મોદીએ કહ્યું કે ફક્ત પરીક્ષાના માર્ક્સ જ જીંદગી નથી. કોઇ એક પરીક્ષા આખી જીંદગી નથી. આ એક મહત્વપૂર્ણ પડાવ છે. પરંતુ આ બધું જ છે, એવું ન માનવું જોઇએ. હું માતા-પિતાને પણ આગ્રહ કરીશ કે બાળકોને એવી વાતો ન કરે કે પરીક્ષા જ બધુ જ છે.
  • પીએમ મોદીએ કહ્યું કે ‘આપણે નિષ્ફળતાઓ વડે પણ સફળતાનું શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ છીએ. દરેક પ્રયત્નમાં આપણે ઉત્સાહભરી શકીએ છીએ અને કોઇ વસ્તુઓમાં તમે નિષ્ફળ થઇ જાવ છો તો તેનો અર્થ એ છે કે હવે તમે સફળતા તરફ ચાલવા લાગ્યા છો. આ કાર્યક્રમ દરમિયાન દેશભરના વિદ્યાર્થી પીએમ મોદીને પ્રશ્ન પૂછી રહ્યા છે.
  • પીએમ મોદીએ કહ્યું કે ‘ચંદ્વયાનના સમયે તમે બધા રાત્રે જાગતા હતા, ચંદ્વયાનને મોકલવામાં તમારું કોઇ યોગદાન હતું કે ન હતું પરંતુ તમે એવું મન લગાવીને બેઠા હતા કે જેમ કે તમે જ કર્યું છે અને જ્યારે ન થયું તો આખું ભારત નિરાશ થઇ ગયું. તે દિવસે હું પણ હાજર હતો, હું આજે સિક્રેટ જણાવું છું, મને કેટલાક લોકોએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં ન જવું જોઇએ તેમાં કોઇ ગેરેન્ટી નથી, સફળ થાય કે નહી, પરંતુ હું ગયો.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં આ વખતે ભારતીય વિદ્યાર્થીઓ ઉપરાંત મોટી સંખ્યામાં દુનિયાના અલગ-અલગ દેશોમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓ પણ જોડાઇ રહ્યા છે. પરીક્ષા પે ચર્ચાની પહેલી આવૃતિ 16 ફેબ્રુઆરી 2018ના રોજ આયોજિત થઇ હતી અને તેની બીજી એડિશન 29 ફેબ્રુઆરી 2019ના રોજ થઇ હતી.
  • વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નવી પેઢી ટેક્નોલોજીનો ઉપયોગ યોગ્ય કરે છે. પોતાની માતૃભાષાની ડિક્શનરીને ફોનમાં રાખે અને રોજ કંઈક નવું શીખે.
  • વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સ્માર્ટ ફોન આપનો સમય ચોરી કરે છે પરંતુ તેમાં થોડો સમય ઓછો કરીને પોતાના માતા-પિતા સાથે બેસો. ટેક્નોલોજીને પોતાના વશમાં રાખવી જરુરી છે.
  • વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અત્યારના સમયમાં સોશિયલ નેટવર્કિંગ ફોનમાં જ આવી ગયું છે, પહેલા મિત્રોને જન્મ દિવસની શુભેચ્છા આપતા હતા પરંતુ હવે રાત્રે માત્ર એક મેસેજ કરી દેવામાં આવે છે. ત્યારે આપણે નક્કી કરવાનું રહેશે કે કેટલાક સમય માટે ટેક્નોલોજી ફ્રી રહેવું જરુરી છે. થોડોક સમય પોતાના લોકો સાથે વિતાવવો જરુરી છે.
  • ઘરમાં એક રુમ એવો હોવો જોઈએ કે જેમાં ટેક્નોલોજીને નો એન્ટ્રી હોય, તે રુમમાં જે પણ આવશે તે ટેક્નોલોજી વગરના આવશે.
  • સ્માર્ટફોનથી સમય કાઢીને પોતાના વડીલોને મળો, તેમની સાથે વાતચીત કરો. પોતાના માટે એક દિવસમાં ઓછામાં ઓછા 1 અથવા 2 કલાક એવા રાખો, કે જેમાં તમે પોતાને ટેક્નોલોજીથી દૂર રાખો અને પરિવારને મળો અને તેમની સાથે વાત કરો.