અલ્હાબાદનું નામ બદલવા મામલે યુપી સરકારને નોટિસ

નવી દિલ્હીઃ અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવાના નિર્ણયને પડકારતી એક જનહિતની અરજી પર સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ આપી છે. આ પડકાર અલ્હાબાદ હેરિટેજ સોસાયટીએ સરકાર સામે પડકાર ફેંક્યો છે. મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટીસ સૂર્યકાંતની બેંચ કરી રહી છે. અરજીમાં કહેવામાં આવ્યું કે, રાજ્ય સરકારને રેલવે સ્ટેશન, કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનું નામ બદલવાનો અધિકાર નથી. આ અધિકાર કેન્દ્ર પાસે છે. વર્ષ 2019 માં જ ઉત્તર પ્રદેશ કેબિનેટે અલ્હાબાદનું નામ બદલવાની જાહેરાત કરી હતી.

આ નિર્ણય પર મોહર લાગ્યા બાદ અહીંયાનું અધિકારીક નામ પ્રયાગરાજ કરી દીધું હતું. અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવાનો પ્રસ્તાવ સંતો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ જ મુખ્યમંત્રી આદિત્યનાથે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવાનો મામલો અત્યારે સુપ્રીમ કોર્ટમાં છે. મામલાની સુનાવણી કરનારી બેંચના સદસ્ય જસ્ટિસ અશોક ભૂષણે આને પોતાનાથી અલગ કરી દીધો હતો અને બાદમાં આ મામલો નવી બેંચ જોઈ રહી છે.

કુંભના મેળાના આયોજનને લઈને થયેલી બેઠક બાદ વર્ષ 2018 માં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંગમ નગરી અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાનો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સંતોએ અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજનો પ્રસ્તાવ આપ્યો હતો. આના પર તત્કાલીન રાજ્યપાલ રામ નાઈકે સહમતિની મોહર લગાવી હતી અને ત્યારબાદ જ અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યું હતું.

અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા અરજીને ફગાવી દેવાઇ હતી. એડવોકેટ શદન ફારાસાત દ્વારા આ અરજી નોંધાવવામાં આવી હતી. તેમણે અરજીમાં કહ્યું કે, 400 થી વધારે વર્ષોથી શહેરનું નામ અલ્હાબાદ છે. હવે આ જગ્યાના નામથી ક્યાંય વધારે આ શહેરની ઓળખ એ “અલ્હાબાદ” નામ બની ગયું છે. આ સિવાય પણ તેમણે ઘણી વાતો કહી અને કનોટ પ્લેસનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, ઘણા વર્ષો પહેલા કનોટ પેલેસનું નામ બદલીને રાજીવ ચોક કરી દેવામાં આવ્યું હતું પરંતુ આજે પણ કનોટ પ્લેસના નામથી જ લોકો તેને ઓળખે છે.