સ્પાઈસજેટના 90 પાઈલટને બોઈંગ 737-મેક્સ વિમાન ઉડાડવાની મનાઈ

નવી દિલ્હીઃ ભારતની નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટેની નિયામક સંસ્થા DGCA એ સ્પાઈસજેટ એરલાઈનના 90 પાઈલટને બોઈંગ 737 મેક્સ વિમાન ઉડાડવાની મનાઈ ફરમાવી દીધી છે. આ પાઈલટોએ તે માટેની યોગ્ય તાલીમ ન લીધી હોવાનું કહેવાય છે. હવે આ પાઈલટોએ 737 મેક્સ સિમ્યુલેટર્સ પર તાલીમ લેવી આવશ્યક રહેશે.

આ તાલીમવિહોણા પાઈલટો અત્યાર સુધી બોઈંગ 737-મેક્સ વિમાન ઉડાડતા રહ્યા હતા. આ ક્ષતિ બદલ જવાબદાર લોકો સામે કડક પગલાં ભરવાનો ડીજીસીએ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પાઈસજેટ પાસે 737 મેક્સ વિમાનનું સંચાલન કરી શકે એવા 650 તાલીમબદ્ધ પાઈલટો છે. ઉક્ત 90 પાઈલટો બોઈંગ 737ના અન્ય વિમાનોનું સંચાલન કરશે. 737 મેક્સ વિમાનોને સેવામાં ઉતારનાર સ્પાઈસજેટ ભારતમાં એકમાત્ર એરલાઈન છે.

737 મેક્સ વિમાન ભારતમાંના જુદા જુદા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સિંગાપોર, દોહા, કુવૈત, અબુધાબી, રિયાધ, ક્વાલાલમ્પુર, તેહરાન, સલાલાહ, કુમિંગ (ચીન), ક્રાબી, મોસ્કો, ઈસ્તંબુલ માટે નોન-સ્ટોપ ફ્લાઈટ માટે વપરાય છે. એક-સ્ટોપવાળી ફ્લાઈટમાં, એરલાઈન તેના 737 મેક્સ વિમાન ફિનલેન્ડ, નોર્વે, મોરોક્કો, લંડન અને એમ્સ્ટરડેમ માટે વાપરે છે. મેક્સ-8 વિમાન આકાશમાં 3,500 અવકાશી માઈલ ઉંચે સુધી ઉડી શકે છે. 737-800 શ્રેણીના વિમાન કરતાં મેક્સ વિમાન 19 ટકા વધારે ઉંચે ઉડાવી શકાય છે. તે ઉપરાંત અન્ય 737 વિમાનો કરતાં એ 20 ટકા ઈંધણની બચત કરે છે.