નવી દિલ્હીઃ દેશના એવિએશન નિયામક ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા દેશની તમામ એરલાઈનોને જણાવવામાં આવ્યું છે કે તેઓ કોરોનાવાઈરસ-પ્રતિરોધક નિયમોનું કડક રીતે પાલન કરે, જેમાં પ્રવાસીઓ માટે વિમાનની અંદર ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત છે. દેશભરમાં કોરોના ચેપી બીમારીના કેસ વધી ગયા હોવાથી ડીજીસીએ તરફથી આ આદેશ આપવામાં આવ્યો છે.
એક નિવેદનમાં તેણે જણાવ્યું છે કે કોવિડ-19 નિયમોનું કડક રીતે પાલન કરાય છે કે તેની ચકાસણી કરવા માટે તે દેશભરમાં વિમાનની અંદર ઓચિંતું ચેકિંગ કરશે. એરલાઈનોએ ખાસ ધ્યાન રાખવું કે પ્રવાસીઓ એમની સફર દરમિયાન ફેસ માસ્ક યોગ્ય રીતે પહેરી રાખે. જો કોઈ પ્રવાસી નિયમોનું પાલન ન કરે તો તેની સામે એરલાઈને કડક પગલું ભરવાનું રહેશે. ભારતમાં બુધવારે કોરોનાના નવા 9,062 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં આ રોગના ચેપીઓની કુલ સંખ્યા વધીને 4,42,86,256 થઈ છે.