નવી દિલ્હીઃ તિરુપતિ મંદિરમાં પ્રસાદ તરીકે અપાતા લાડુને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવતા લાડુમાં પ્રાણીની ચરબી, પ્રાણીજન્ય ચરબી અને માછલીનું તેલ હોવાની વાત સામે આવી છે. આંધ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શર્મિલા રેડ્ડીએ ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખીને આ મામલે CBI તપાસ કરવાની માગ કરી છે.
CM ચંદ્રબાબુ નાયડુએ પોતે આ આરોપ લગાવ્યો હતો કે YSR કોંગ્રેસ પાર્ટીની પાછલી સરકારમાં તિરુપતિ મંદિરમાં પ્રસાદ અને ભોગ માટે બનતા લાડુમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેના કારણે મંદિરની પવિત્રતા અને લોકોની આસ્થા સાથે ચેડાં થયા હતા.
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે મંદિરના પ્રસાદની તપાસ કરતાં પ્રસાદમાંથી લાડુમાં ચરબી અને બીફ ઉપયોગમાં લેવાયા હોવાનું ખૂલ્યું છે. આખો મામલો પ્રકાશમાં આવતા વિવાદ વધુ વકર્યો હતો. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ વાયએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકાર પર તિરુમાલા મંદિરની પવિત્રતાને લાંછન લગાડવાના આરોપ મૂક્યા છે.
તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદના મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ આંધ્ર પ્રદેશના CM એન. ચંદ્રાબાબુ નાયડુ પાસેથી એક વિસ્તૃત અહેવાલ માગ્યો છે. તેમણે કહ્યું હતું કે સરકાર આ મામલે વધુ તપાસ કરશે અને યોગ્ય પગલાં લેશે. તેમણે કહ્યું હતું કે મને આ મુદ્દા વિશે સોશિયલ મિડિયા દ્વારા જાણ થઈ છે. મેં ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી અને તેમને સંપૂર્ણ અહેવાલ મોકલવા કહ્યું છે. હું તેની તપાસ કરીશ અને રાજ્યના નિયમનકાર સાથે પણ વાત કરીશ અને જાણીશ કે તેઓ શું કહેવા માગે છે, એમ તેમણે કહ્યું હતું.