જેએનયુમાં વિવેકાનંદની પ્રતિમા તોડાઇઃ લખ્યું ‘ભગવા જલેગા’

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) કેમ્પસમાં એક નવો વિવાદ સામે આવ્યો છે. અહીં કેટલાક અસામાજિક તત્વોએ જેએનયુ પરિસરમાં સ્થાપિત સ્વામી વિવેકાનંદની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે. આ અસામજીક તત્વોએ ન માત્ર પ્રતિમા તોડી પરંતુ તેની આસપાસ અપમાનજનક શબ્દો પણ લખ્યા. પ્રાપ્ત વિગતો અનુસાર મૂર્તિ પર પત્થરો અને ઇંટો ફેંકવામાં આવી હતી. તેના કારણે મૂર્તિને નુકશાન પહોચ્યું છે.

આ ઘટના બાદ મૂર્તિને લાલ કપડાથી ઢાંકી દેવામાં આવી છે. મૂર્તિના પ્લેટફોર્મ પર અભદ્ર ટિપ્પણી લખાઈ છે. આ સાથે જ આ બનાવની માહિતી મળ્યા બાદ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હમણાં સુધી, તે સ્પષ્ટ નથી થયું કે મૂર્તિને કોણે નુકસાન કર્યું છે અને કયા હેતુથી. પરંતુ આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે.

ભાજપને નિશાન બનાવતા પ્રતિમાની બાજુમાં ફ્લોર પર ‘ભગવા જલેગા’ અને કેટલીક અન્ય આપત્તિજનક વાતો લખવામાં આવી છે. એટલું જ નહીં, કુલપતિની કચેરીની દિવાલો પર સંદેશ લખવામાં આવ્યો છે કે તમે અમારા કુલપતિ નથી. તો ઘડિયાળ પર ટાઇમ ફોર રિવોલ્યુશન પર લખાયેલ છે. આ સાથે નજીબને પરત લાવવાની માંગ કરવામાં આવી છે. જે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને નુકસાન થયું છે તે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની વહીવટી બ્લોકની ડાબી બાજુ સ્થાપિત કરવામાં આવી છે. સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સામે જ જવાહર લાલ નેહરુની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ફીમાં વધારા સહિતની માંગણીઓ અંગે છેલ્લા ઘણાં દિવસોથી વિરોધ કરી રહ્યા છે. છેલ્લા સપ્તાહથી ચાલી રહેલા દેખાવોની વચ્ચે જેએનયુ એ બુધવારે છાત્રાલયની ફીમાં વધારામાં આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને રૂમ ભાડા સહિતની કેટલીક વસ્તુઓમાં છૂટ આપી હતી. જેએનયુ નજીક મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફી વધારા, ડ્રેસ કોડ જેવા માર્ગદર્શિકાનો વિરોધ કરી રહ્યા હતા.