નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાના ચૂંટણીમાં આજે પરિણામનો દિવસ. અત્યાર સુધીમાં જે પરિણામો સામે આવી રહ્યા એ જોતાં સ્પષ્ટ થાય છે કે, દિલ્હીમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી સત્તા પર આવી રહી છે. 70 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને બે તૃતિયાંશથી પણ વધુ બેઠકો મળવાનું અનુમાન છે. ગયા ઈલેક્શન કરતા સારુ પ્રદર્શન છતાં ભાજપ માટે દિલ્હી અભી દુર હૈ…
દિલ્હીની જનતાએ દરેક મુદ્દાને ધ્યાનમાં રાખ્યા પછી ભાજપને વિકલ્પ તરીકે નથી અપનાવી. બીજી રીતે જોઈએ તો દિલ્હીની ચૂંટણીમાં ભાજપે દરેક પોસ્ટર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાનો ઉપયોગ કર્યો, પણ અહીં મોદીનો ચહેરો પણ કામ લાગ્યો નહીં. દિલ્હીની ચૂંટણીમાં ભાજપની હાર પાછળ કયા કારણો જવાબદાર રહ્યા?
દિલ્હી વિધાનસભાની ચૂંટણી ને રાષ્ટ્રવાદનો પ્રચાર
ભાજપના ચૂંટણી પ્રચારમાં રાષ્ટ્રવાદનો મુદ્દો મુખ્ય રહ્યો, જેમાં ત્રણ તલાખ અને સીએએ જેવા મુદ્દાઓ મુખ્ય રહ્યા. પણ દિલ્હીની જનતા એટલી પણ ભોળી નથી કે, સ્થાનીય અને રાષ્ટ્રીય મુદ્દાઓમાં ફરક ન સમજી શકે. દિલ્હીના મતદાતાઓએ પાણી, વીજળી, શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓને વધારે મહત્વ આપ્યું. આ મુદ્દાઓ આપ પાર્ટીના પ્રચારમાં સૌથી આગળ રહ્યા.
અમારી પાસે મોદી છે…
આજની તારીખે ભાજપનો માત્ર એક જ ચહેરો છે નરેન્દ્ર મોદી. પણ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે, મોદીના નામનો ઉપયોગ મરજી મુજબના પરિણામો લાવી શક્યો નહી. મતદાતાઓને એક વાત સમજાઈ ગઈ હતી કે તે ભાજપને મત આપશે તો પણ નરેન્દ્ર મોદી દિલ્હીના મુખ્યમંત્રી નહીં બને. એક નજર દિલ્હી ભાજપના નેતાઓ પર કરીએ તો એક પણ નેતા અરવિંદ કેજરીવાલને પડકાર આપતો ન જોવા મળ્યો. આ સ્થિતિમાં ભાજપ દિલ્હીના લોકોને વિકલ્પ ન આપી શકી.
ઈલેકશન કેમ્પેઈનમાં નકારાત્મકતા
ભાજપે ચૂંટણી પ્રચાર દરમ્યાન વિપક્ષી પાર્ટીઓ પર કરેલા પ્રહારો એકદમ નકારાત્મક ચરિત્રના હતા. અરવિંદ કેજરીવાલ માટે આતંકવાદી જેવા શબ્દનો પ્રયોગ દિલ્હીવાસીઓના ગળે ન ઉતર્યો. આ ઉપરાંત શાહીનબાગ મુદ્દે ભાજપના અનેક સ્ટાર પ્રચારકોએ અર્થવિહોણા અને સંપ્રદાય વિશેષ વિરુદ્ધ ભડકાઉ નિવેદનો આપ્યો. આ પ્રકારનો ચૂંટણી પ્રચાર મતદારોને પસંદ ન પડ્યો.
દિલ્હીનો મોટાભાગનો વિસ્તાર શહેરી ક્ષેત્ર છે. દિલ્હીમાં દેશના દરેક રાજ્યના લોકો રહે છે. આ એક મહાનગર છે. એટલે કે એક એવું રાજ્ય જેમાં નબળી પડતી જતી અર્થવ્યવસ્થાની સૌથી વધુ અસર જોવા મળે છે. દેશમાં મંદીની અસર દિલ્હીની માર્કેટ પર પણ જોવા મળે છે. પણ દેશમાં સબ સહી હૈ એવી બીજેપી નેતાની વાતો પાર્ટી માટે ભારે પડી…
જે રીતે પરિણામો આવ્યા એ પરથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ પાર્ટીએ આ ચૂંટણીમાં માત્ર ભાગ જ લીધો એ સિવાય બીજું કંઈ નહીં. ના કોઈ રણનીતિ ના કોઈ નેતા. એક સમયે દિલ્હીમાં સતત ત્રણ વખત સત્તા પર રહેલી પાર્ટી જમીનદોસ્ત થઈ ગઈ છે. આ વખતે તો સ્થિતિ એવી છે કે, ગયા વખતની ચૂંટણી કરતા પણ ઓછા મત મળ્યા છે. અહીં સવાલ એ છે કે, કોંગ્રેસના મતનો કોને ફાયદો મળ્યો? ભાજપના મતો વધ્યા પણ અમુક બેઠકો પર કોંગ્રેસના નબળા પ્રદર્શને આમ આદમી પાર્ટી માટે રસ્તો સરળ બનાવી દીધો.