શીલાથી સુભાષ સુધીઃ કોંગ્રેસ કેમ અસ્તિત્વ બચાવી ન શકી?

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શનના જોરે સત્તા જાળવી રાખી છે તો ભાજપ પણ બેઠકોની સંખ્યા વધારમાં સફળ રહયો છે. જ્યારે કોંગ્રેસ પોતનું અસ્તિત્વ બચાવવામાં ય નિષ્ફળ રહી. એક બેઠક પર પણ કોંગ્રેસ પોતાની જીત નોંધાવી શકી નથી અને 70માંથી 67 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ ગુમાવવાની નોબત આવી છે.

દિલ્હી વિધાનસભામાં હારની જવાબદારી લેતા પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડા પાર્ટીને રાજીનામું સોંપે તેવી શક્યતા છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડાની પુત્રી શિવાની ચોપડા કાલકાજી બેઠક પરથી ખરાબ રીતે હારી છે. પ્રચાર સમિતિના અધ્યક્ષ કીર્તિ આઝાદની પત્ની પૂનમ આઝાદ સંગમ વિહારથી હારી ગઈ છે. મુખ્ય પ્રવક્તા મુકેશ શર્માની ડિપોઝીટ જમા થઈ ગઈ. પૂર્વ સાંસદ પરવેઝ હાશમી, પૂર્વ કેન્દ્રીય મંત્રી કૃષ્ણા તીરથ, પૂર્વ મંત્રી અરવિંદર સિંહ લવલી, હારુન યૂસુફ, ડો. નરેન્દ્ર નાથ, પૂર્વ કદાવર ધારાસભ્ય મતીન અહેમદ, જયકિશન, દેવેન્દ્ર યાદવ, સૌમેશ શૌકીન સહિત પાર્ટીના તમામ ઉમેદવારો હારી ગયા છે.

2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વોટ શેર 9 ટકા હતો જે આ વખતેની ચૂંટણીમાં ઘટીને ચારથી પાંચ ટકા પર આવી ગયો છે. કોંગ્રેસના મતો આમ આદમી પાર્ટીને ફાળે ગયા. હવે સ્થિતિ એવી છે કે, કોંગ્રેસ ચૂંટણીની ચર્ચામાંથી પણ બાકાત થતી જોવા મળી રહી છે. પાર્ટી નેતા એટલે હદે શોકમાં છે કે, તેમને હારનું કારણ પણ નથી સમજાઈ રહ્યું. પાર્ટીના કેટલાક નેતાઓ પર ટિકિટ વિતરણમાં ભ્રષ્ટાચાર અને પક્ષપાતનો આરોપ પણ લાગી રહ્યો છે.

દિલ્હી પાર્ટી અધ્યક્ષ સુભાષ ચોપડાએ આ હારની નૈતિક જવાબદારી લીધી છે. તેમણે કહ્યું કે, હારના કારણોની સમીક્ષા કરવામાં આવશે અને જ્યાં જરૂર જણાશે ત્યાં સુધારો પણ કરવામાં આવશે. પાર્ટી જનહિતના મુદ્દાઓ ભવિષ્યમાં પણ ઉઠાવતી રહેશે.

મહત્વનું છે કે, આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેણે દિલ્હીના તખ્તા પર 15 વર્ષ સુધી શીલા દીક્ષિતના નેતૃત્વ હેઠળ શાસન કર્યું હતું. 1998માં શીલા યુગની શરૂઆત થઈ હતી. આ ચૂંટણીમાં મોંઘવારી એક પ્રમુખ મુદ્દો રહ્યો હતો. જેના કારણે ભાજપની સરકાર પડી ગઈ હતી. એ સમયે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. શીલા દીક્ષિત મુખ્યમંત્રી તરીકે આવ્યા. એ સમયે વિધાનસભામાં શીલા દીક્ષિતને 52 સીટો મળી હતી. જેમાં કોંગ્રેસના લગભગ 48 ટકા વોટ કોંગ્રેસને મળ્યા હતા. સુષ્મા સ્વરાજના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની હાર થઈ. તેને માત્ર 15 સીટો મળી. અને બીજેપીને 34 ટકા વોટ મળ્યા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]