દીપ સિધુનું મૃત્યુ: ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

નવી દિલ્હીઃ 2021ના પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લા ખાતે થયેલી હિંસાના બનાવમાં આરોપી જાહેર કરાયેલો દીપ સિધુ ગઈ કાલે એક રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. એના ભાઈ સુરજીતે હરિયાણાના સોનીપત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપ મૂક્યો છે કે ટ્રક ડ્રાઈવરના બેદરકારીભર્યા ડ્રાઈવિંગને કારણે એના ભાઈનું મૃત્યુ થયું હતું. 37 વર્ષના દીપ સિધુનું મૂળ નામ સંદીપસિંહ સિધુ હતું. એ અભિનેતામાંથી આંદોલનકારી બન્યો હતો. એ ગઈ કાલે એની એસયૂવી કાર હંકારતો હતો ત્યારે કાર ટ્રક સાથે અથડાઈ પડી હતી. કારમાં એની સાથે એની નિકટની મિત્ર રીના રાય પણ હતી. રીનાને બચી જવા પામી છે. સુરજીતે આરોપ મૂક્યો છે કે કુંડી-માનેસર પાલવલ હાઈવે પર ટ્રક ડ્રાઈવરે ઓચિંતી બ્રેક મારતા અકસ્માત થયો હતો. ટ્રકની પાર્કિંગ લાઈટ્સ પણ દેખાતી નહોતી. ટ્રકડ્રાઈવરની બેદરકારીને કારણે દીપને ગંભીર ઈજા પહોંચી હતી. સુરજીતને ગઈ કાલે એક અજાણ્યા માણસે ફોન કરીને દીપ સિધુને અકસ્માત નડ્યો હોવાના સમાચાર આપ્યા હતા.

2021ની 26 જાન્યુઆરીએ ખેડૂતોના આંદોલનના સંદર્ભમાં દિલ્હીના લાલ કિલ્લા ખાતે કરવામાં આવેલા દેખાવોમાં થયેલી હિંસા માટે દીપ સિધુને મુખ્ય કાવતરાખોર તરીકે ગણવામાં આવ્યો હતો. ત્યારબાદ 17 એપ્રિલે એની ધરપકડ કરવામાં આવી હતી. 70 દિવસ પોલીસ કસ્ટડીમાં કાઢ્યા બાદ એનો જામીન પર છુટકારો થયો હતો. દીપ સિધુ પંજાબના મુખ્તરસાહિબ જિલ્લાનો વતની હતો. એ લૉયર હતો અને બાદમાં મોડેલ અને એમાંથી આંદોલનકારી બન્યો હતો. ખેડૂતોના આંદોલન અંગે એણે ઘણા વિડિયો પોસ્ટ કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]