નવી દિલ્હીઃ માર્ચમાં દેશના સર્વિસિસ સેક્ટરનાં કામકાજમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચમાં PMI સર્વિસ ઇન્ડેક્સ 49.3 આંક રહ્યો હતો, જે ફેબ્રુઆરીમાં 85 મહિનામાં ઉચ્ચ સ્તર પર પહોંચીને 57.5 પોઇન્ટ હતો. આ PMI ઇન્ડેક્સ 50થી નીચે રહે છે, તો એ વેપારનું સંકોચન હોય છે અને જો 50થી ઉપર હોય છે તો વેપારનું વિસ્તરણ થાય છે. આ સર્વેક્ષણના આંકડા 12થી 27 માર્ચની વચ્ચેના છે.
સર્વિસ સેક્ટર પરની અસરનું અત્યાર સુધી આકલન નહીં
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસના સામૂહિક ફેલાવાને રોકવા માટે 14 એપ્રિલ સુધી 21 દિવસ લોકડાઉન કર્યું હતું. આને કારણે સર્વિસ ક્ષેત્રે માગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચમાં આઇએચએસ ઇન્ડિયા સર્વિસિસ બિઝનેસ એક્ટિવિટી 49.3 આવ્યો હતો. આઇએચએસ માર્કિટના અર્થશાસ્ત્રી જો હાએસે કહ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળાને લીધે ભારતીય સર્વિસિસ સેક્ટર પર જે અસર પડી છે, એનું પૂરી રીતે આકલન નથી કરવામાં આવ્યા. હજી આગળ આનાથી પણ ખરાબ સ્થિતિ થવાની છે. લોકડાઉનને કારણે દેશભરમાં દુકાનો બંધ છે, આવામાં સર્વિસિસ ક્ષેત્ર પર ભારે દબાણ છે.
કોરોનાને લીધે નિકાસ પણ પ્રતિકૂળ અસર
આ સર્વેક્ષણ મુજબ સ્થાનિક માગમાં ઘટાડાની સાથે-સાથે સર્વિસિસ ક્ષેત્રની નિકાસ પર પણ કોરોનાને લીધે પ્રતિકૂળ અસર પડી છે. સપ્ટેમ્બર, 2019 પછી સર્વિસ ક્ષેત્રની ભારતીય કંપનીઓની ઓર્ડર બુકમાં માર્ચમાં પહેલી વાર ઘટાડો જોવા મળ્યો હતો.