નવી દિલ્હીઃ ભારતના દુશ્મન નંબર-1 અને દેશની સરકાર દ્વારા ‘મોસ્ટ વોન્ટેડ ગુનેગાર’ ઘોષિત કરાયેલા અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને કોઈએ ઝેર આપતાં એની તબિયત બગડતા એને કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાના અહેવાલોએ ખળભળાટ મચાવી દીધો છે. ગઈ કાલે એવી પણ અફવા હતી કે દાઉદનું મૃત્યુ થઈ ગયું છે.
67 વર્ષના દાઉદ વિશેના અહેવાલો પર સમગ્ર ભારતીય સુક્ષા તંત્ર ચાંપતી દેખરેખ રાખી રહ્યું છે. તેમણે દાઉદ વિશેની અફવાઓને સમર્થન આપ્યું નથી. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દાઉદના સૌથી ગાઢ સાગરિત છોટા શકીલે દાઉદ મરી ગયો હોવાની અફવાઓને રદિયો આપ્યો છે. સીએનએન-ન્યૂઝ18 સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં શકીલે કહ્યું કે, ‘દાઉદ ઈબ્રાહિમ જીવે છે. બોસને કંઈ નથી થયું. એની તબિયત સારી છે. એના વિશેના નકલી સમાચારોથી હું પણ ચોંકી ગયો હતો. હું ગઈ કાલે જ એને ઘણી વાર મળ્યો હતો.’
દાઉદ મુંબઈના એક ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલ ઈબ્રાહિમ કાસકરનો દીકરો છે. શરૂઆતમાં એ દક્ષિણ મુંબઈના વિસ્તારોમાં નાના ગુનાઓ કરતો હતો, પણ બાદમાં મોટા ગુનાઓ કરતો થયો હતો. ધીમે ધીમે એણે મુંબઈના અઘોષિત ડોન તરીકે વરદરાજન મુદલિયારનું સ્થાન લઈ લીધું હતું. દાઉદને એ સ્તરે પહોંચવામાં મહારાષ્ટ્રના એ વખતના એક મોટા નેતાએ મદદ કરી હોવાનું મનાય છે. દાઉદ 1980ના દાયકાના મધ્યભાગમાં ભારતમાંથી દુબઈ ભાગી ગયો હતો. મુંબઈ પોલીસ પોતાને એન્કાઉન્ટરના નામે મારી નાખશે એવો ભય લાગતાં એ ભાગી ગયો હતો. દુબઈમાં થોડાક વર્ષો રહ્યો એ દરમિયાન દાઉદે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. 1993માં મુંબઈમાં ભયાનક શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો કરાવવામાં આઈએસઆઈએ દાઉદનો ઉપયોગ કર્યો હતો. એ પછી તેણે દાઉદને કરાચીમાં આશ્રય આપ્યો હતો. કરાચીમાંથી દાઉદ મારફત જાસૂસી સંસ્થાએ ડ્રગ્સની દાણચોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરાવી. દાઉદનો જન્મદિવસ 26 ડિસેમ્બરે આવે છે. ભૂતકાળમાં તો એ પોતાના જન્મદિવસે મોટી પાર્ટીનું આયોજન કરતો હતો જેમાં પાકિસ્તાનના સંરક્ષણ વિભાગના આગેવાનો, વરિષ્ઠ નેતાઓ અને સેલિબ્રિટી વ્યક્તિઓ હાજર રહેતી, પરંતુ આ વર્ષે તે ઉજવણી નાના પાયે રખાશે.