મુંબઈઃ શિવસેના પાર્ટીનાં ઉમેદવાર કલાબેન ડેલકરે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં 51,269 મતોથી વિજય હાંસલ કરતાં શિવસેના પાર્ટીએ મહારાષ્ટ્રની બહાર આ પહેલી જ વાર કોઈ લોકસભા બેઠક જીતી છે. 50 વર્ષીય કલાબેન આ જ બેઠકના ભૂતપૂર્વ અપક્ષ સંસદસભ્ય સ્વ. મોહન ડેલકરનાં પત્ની છે. મોહન ડેલકરના મૃત્યુને કારણે જ આ બેઠકની પેટાચૂંટણી યોજવી પડી છે. કલાબેને 1,18,035 મત મેળવ્યાં છે જ્યારે એમનાં નિકટના હરીફ ભાજપના મહેશ ગાવિતને 66,766 મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર મહેશ ધોડીને 6,150 મત મળ્યા છે. કોંગ્રેસ અને શિવસેના પાર્ટીઓ મહારાષ્ટ્રમાં શાસક ભાગીદારો છે, પરંતુ દાદરા અને નગર હવેલી લોકસભા પેટા-ચૂંટણી તેઓ અલગ અલગ રીતે લડ્યા હતા. ગઈ 30 ઓક્ટોબરે મતદાન થયા બાદ આજે સિલ્વાસા શહેરમાં મતગણતરી યોજવામાં આવી હતી. દાદરા અને નગર હવેલી જિલ્લો કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવનો એક હિસ્સો છે.
મોહન ડેલકરે 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે જીત હાંસલ કરી હતી. એમણે ભાજપના તે વખતના સંસદસભ્ય નટુભાઈ પટેલને 9,001ના માર્જિનથી હરાવ્યા હતા. મોહન ડેલકરે આ વર્ષની 22 ફેબ્રુઆરીમાં મુંબઈમાં મરીન ડ્રાઈવ વિસ્તારની એક હોટેલમાં પંખા પર લટકી જઈને આત્મહત્યા કરી હતી. તેઓ સાત વખત દાદરા અને નગર હવેલી મતવિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા હતા. રાજકીય કારકિર્દીમાં એ કોંગ્રેસ અને ભાજપના પણ સભ્ય રહી ચૂક્યા હતા. નટુભાઈ પટેલે 2009 અને 2014માં ડેલકરને હરાવ્યા હતા. એ વખતે ડેલકર કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા.
(તસવીર સૌજન્યઃ આદિત્ય ઠાકરે ટ્વિટર)