મોદી વિદેશયાત્રાએથી પાછા-ફર્યા; 11-રાજ્યોના-CM સાથે વિડિયોકોન્ફરન્સ કરશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલી અને બ્રિટન (સ્કોટલેન્ડ)ની પાંચ-દિવસની વિદેશ યાત્રાએથી આજે સવારે અહીં પાછા ફર્યા છે. તેઓ આજે બપોરે 12 વાગ્યે દેશના એ 11 રાજ્યોના મુખ્ય પ્રધાનો અને 40 જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વિડિયો કોન્ફરન્સ કરશે, જ્યાં કોરોનાવાઈરસની રસી આપવાનું કામકાજ ધીમું રહ્યું છે. આ વર્ચ્યુઅલ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા, રાજ્યકક્ષાનાં આરોગ્ય પ્રધાન ભારતી પવાર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તથા આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ હાજરી આપશે. આ બેઠક કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બોલાવી છે. પુખ્ત વયનાં નાગરિકોની કુલ વસ્તીના 50 ટકાથી પણ ઓછા લોકોનું જ્યાં કોરોના-રસીકરણ થયું છે એવા જિલ્લાઓ ઝારખંડ, મહારાષ્ટ્ર, મણિપુર, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય તથા અન્ય રાજ્યોમાં આવેલા છે. નાગાલેન્ડના કિફિર જિલ્લામાં તો માત્ર 16.1 ટકા લોકોને જ કોરોના રસીનો માત્ર એક જ ડોઝ આપવામાં આવ્યો છે.

સ્કોટલેન્ડના ગ્લાસ્ગો શહેરમાં યોજાઈ ગયેલા COP26 (કોન્ફરન્સ ઓફ પાર્ટીઝના 26મા સત્ર) શિખર સંમેલનમાં મોદીએ રીન્યૂએબલ ઊર્જાના નિર્માણ ક્ષેત્રે ભારતના સ્વઘોષિત વચનબદ્ધતાની તેમજ ઈટાલીના રોમમાં G20 શિખર સંમેલનમાં હવામાન પરિવર્તન જેવી જાગતિક સમસ્યાઓના ઉકેલ માટે ભારતે લીધેલા પગલાં વિશે જાણકારી આપી હતી. COP26 સંમેલનમાં દુનિયાના 120 દેશોના વડાઓએ ભાગ લીધો હતો.