બિહારમાં સિલિન્ડરમાં ધડાકોઃ એકનું મોત, અનેક ઘાયલ

ભાગલપુરઃ બિહારના ભાગલપુરમાં ગુરુવાર સાંજે ફુગ્ગામાં ગેસ ભરવા દરમ્યાન સિલિન્ડરમાં ધડાકો થયો હતો. એ ધડાકો કાલી વિસર્જન શોભાયાત્રામાં થયો હતો, જ્યારે લોકો શોભાયાત્રામાં સામેલ હતા. આ ધડાકો એટલો જોરદાર હતો કે ફુગ્ગામાં ગેસ ભરતી વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે ચાર બાળકો સહિત બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. જોગસર પોલીસ સ્ટેશનના નયા બજારમાં એક મેડિકલ સ્ટોરની પાસે થયેલા આ ધડાકા પછી અફરાતફરીનો માહોલ હતો. આ ધડાકાને કારણે ઘાયલ થયેલાને સારવાર માટે માયાગંજ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર જોગસર પોલીસ ક્ષેત્રના નયા બજારમા કાલી પૂજા પછી વિસર્જન શોભાયાત્રા નીકળી હતી. કંપની બાગની પાસે રહેતા રંજિત મંડલ પોતાનાં બે નાનાં બાળકોની સાથે મેળામાં ફુગ્ગા વેચી રહ્યો હતો. આ ધડાકાને લીધે ભારે ભીડને લીધે કોઈકનો પગ સિલિન્ડર સાથે અથડાયો હતો અને સિલિન્ડર નીચે પડી ગયું હતું. સિલિન્ડર નીચે પડતાં મોટો ધડાકો થયો હતો. આ ધડાકાથી ફુગ્ગા વેચી રહેલા રંજિતનાં ચીંથરાં ઊડી ગયાં હતાં. તેનાં બે બાળકોની સાથે બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાં બેની હાલત નાજુક હતી.

આ ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા. બધા લોકો કાળી વિસર્જન શોભાયાત્રામાં જોડાયા હતા. એ ઘટના બાદ ત્યાં ભાગદોડ મચી ગઈ હતી, જેથી લોકો એકમેક પર પડવા લાગ્યા હતા. પોલીસ વધુ તપાસ કરી રહી છે.