‘મહારાષ્ટ્રને જ ગુજરાતમાં ભેળવી-દો’: શિંદે-ફડણવીસ સરકારની ટીકા

મુંબઈઃ મહારાષ્ટ્રમાંથી મોટા અને મહત્ત્વના ઔદ્યોગિક પ્રોજેક્ટો ગુજરાત રાજ્યમાં જતા રહેતાં મહારાષ્ટ્ર સરકારની ટીકા કરવામાં આવી રહી છે. અગાઉ વેદાંતા ફોક્સકોન કંપનીનો દોઢ લાખ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ગુજરાતમાં ચાલી ગયો હતો. તે પછી હવે ટાટા-એરબસનો પ્રોજેક્ટ પણ ગુજરાતમાં જતો રહેવાથી નવો વિવાદ જાગ્યો છે.

આ પ્રોજેક્ટ રૂ. 22,000 કરોડનો હતો. એ પ્રોજેક્ટ અગાઉ નાગપુરમાં નખાવાનો હતો, પરંતુ હવે આવતી 30 ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં એનો શિલાન્યાસ કરવામાં આવનાર છે. આ સમાચાર બાદ બ્રાહ્મણ મહાસંઘે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ (ભાજપ)ની સંયુક્ત સરકારની આકરી ટીકા કરી છે.

ટાટા-એરબસનો સી-295 લશ્કરી ટ્રાન્સપોર્ટ વિમાનનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રને બદલે ગુજરાતના વડોદરામાં શરૂ થશે.

બ્રાહ્મણ મહાસંઘના વડા આનંદ દવેએ કહ્યું છે કે, આખા મહારાષ્ટ્રને જ ગુજરાતમાં વિલીન કરી દોને. મહારાષ્ટ્ર પહેલા નંબર પર હતું, પણ હવે એ પાંચમા નંબરે ઉતરી ગયું છે. મહારાષ્ટ્રમાં સૌ રાજકારણમાં જ મગ્ન છે. તો ભાખરવડી અને ઢોકળાને ભેગા જ કરી દોને.