વાવાઝોડા ‘તિતલી’એ આંધ્ર પ્રદેશમાં 8નો ભોગ લીધો; ઓડિશા જાનહાનિથી બચ્યું

અમરાવતી/ભૂવનેશ્વર – આગાહી મુજબ ચક્રવાતી વાવાઝોડું ‘તિતલી’ આજે વહેલી સવારે 5.40 વાગ્યે ઓડિશા તથા પડોશના આંધ્ર પ્રદેશ રાજ્યમાં સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટક્યું હતું. ઓડિશાના ગોપાલપુર નજીકના સમુદ્રકાંઠા પર એ ત્રાટક્યું હતું. એને કારણે ઓડિશાના દક્ષિણી કાંઠાના વિસ્તારોમાં 140-150 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડમાં પવન ફૂંકાયો હતો અને સાથે અનરાધાર વરસાદ પણ પડ્યો હતો.

વાવાઝોડા ‘તિતલી’એ આંધ્ર પ્રદેશમાં 8નો ભોગ લીધો; ઓડિશા જાનહાનિથી બચ્યું

અમરાવતી – ચક્રવાતી વાવાઝોડું તિતલી આજે સવારે ઓડિશા અને પડોશના આંધ્ર પ્રદેશમાં ત્રાટક્યું હતું. એનાથી બચવામાં ઓડિશા સફળ થયું છે, પણ આંધ્રમાં જાનહાનિ થઈ છે.

આંધ્ર પ્રદેશમાં આઠ જણના જાન ગયા છે. શ્રીકાકુલમ જિલ્લામાં બે જણ માર્યા ગયા છે જ્યારે ચેતવણી અપાઈ હોવા છતાં દરિયામાં માછલી પકડવા ગયેલા 6 માછીમારો માર્યા ગયા છે.

આજે સવારે 5.30 વાગ્યે ત્રાટકેલા વાવાઝોડા સામે જાનહાનિ ટાળવામાં ઓડિશા રાજ્ય સફળ રહ્યું છે. ત્યાં તિતલી આજે સવારે ગોપાલપુર પર ત્રાટક્યું હતું.

ઓડિશાના ગંજામ અને ગજપતિ જિલ્લાઓમાં વાવાઝોડાએ અનેક ઝાડ અને વીજળીના થાંભલા ઉખેડી નાખ્યા છે અને કાચા ઘરોને જમીનદોસ્ત કર્યા છે અથવા નુકસાન પહોંચાડ્યું છે.

કુલ આઠ જિલ્લામાં વાવાઝોડું અસર કરીને ગયું છે. આ આઠ જિલ્લા છે – ગંજામ, ગજપતિ, પુરી, ખુર્દા, કેન્દ્રપાડા, જગતસિંહપુર, ભદ્રક અને બાલાસોર.

ઓડિશામાં વાવાઝોડાની ચેતવણી મળતાવેંત કાંઠાળ જિલ્લાઓમાંથી ત્રણ લાખથી વધુ લોકોનું સુરક્ષિત જગ્યાઓએ સ્થળાંતર કરી દેવાયું હતું.

સવારે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે પવન પ્રતિ કલાક 140-150 કિ.મી.ની ઝડપે ફૂંકાયો હતો.

તિતલી વાવાઝોડાને કારણે ઓડિશામાં ટ્રેનસેવા ખોરવાઈ ગઈ હતી. અનેક ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી છે.

ગંજામ, પુરી, ખુર્દા, કેન્દ્રપાડા અને જગતસિંહપુર જિલ્લાઓમાં શાળા-કોલેજો તથા આંગણવાડી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા હતા.

આંધ્ર પ્રદેશમાં, શ્રીકાકુલમ જિલ્લામાં અનેક ઝાડ અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે. જિલ્લામાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. અનેક જગ્યાએ બે થી લઈને 26 સે.મી. વરસાદ પડ્યો હતો. રોડ કમ્યુનિકેશન નેટવર્કને માઠી અસર પડી છે. અનેક સ્થળોએ રસ્તાઓ પર ઝાડ પડવાથી અવરોધો ઊભા થવાથી એસ.ટી. બસ સેવાને સસ્પેન્ડ કરી દેવી પડી હતી.

વાવાઝોડું શુક્રવાર સુધીમાં નીચા દબાણમાં પરિવર્તિત થઈને નબળું પડી જશે એવી હવામાન વિભાગની આગાહી છે.

હિન્દીમાં ‘તિતલી’નો અર્થ પતંગિયું થાય. હવામાન વિભાગે આ વાવાઝોડાને અત્યંત ગંભીર કેટેગરીમાં મૂકવામાં આવ્યું હતું.

httpss://twitter.com/ANI/status/1050207458592022529

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]