દેશમાં સૌથી મોટા સેક્સ-કૌભાંડનો પર્દાફાશ કરાયો

હૈદરાબાદઃ દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા સેક્સ કૌભાંડ અને માનવ તસ્કરી કૌભાંડનો હૈદરાબાદ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે દેશના ત્રણ રાજ્યના અનેક શહેરોમાં દરોડા પાડીને 15 આરોપીની ધરપકડ કરી છે. દેહવ્યાપાર માટે આરોપીઓ વિદેશમાંથી અસંખ્ય તરૂણીઓને ફસાવીને અહીં લઈ આવ્યા હતા.

પોલીસને બાતમી મળી હતી કે કર્ણાટક, તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં ઓનલાઈન સેક્સ રેકેટ ચલાવવામાં આવે છે. પોલીસે તે મામલે ચાંપતી નજર રાખી હતી અને માહિતી એકઠી કરી હતી. પોલીસને માલુમ પડ્યું હતું કે આ સેક્સ કૌભાંડના માધ્યમથી દેશ-વિદેશમાંથી ફસાવીને લાવવામાં આવેલી આશરે 14,000 તરૂણીઓનું લૈંગિક શોષણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસે દરોડા પાડવાની યોજના ઘડી હતી અને ત્રણ રાજ્યોમાં દરોડા પાડીને 15 આરોપીની ધરપકડ કરી છે. એમની પાસેથી લેપટોપ તથા અસંખ્ય સ્માર્ટફોન જપ્ત કરવામાં આવ્યા છે.

આરોપીઓ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાંથી પણ અનેક તરૂણીઓને ફસાવીને દેહવ્યાપારના ગંદા ક્ષેત્રમાં લઈ ગયા હતા. તેઓ નેપાળ, થાઈલેન્ડ, ઉઝબેકિસ્તાન, બાંગ્લાદેશ, રશિયામાંથી તરૂણીઓને ફસાવીને લઈ આવ્યા હતા, એવી કબૂલાત આરોપીઓએ પોલીસ સમક્ષ કરી છે. આંધ્ર પ્રદેશના અનંતપુરમાં એક કોલ સેન્ટર મારફત ગ્રાહકોને છોકરીઓ પૂરી પાડવામાં આવતી હતી.

(તસવીર સૌજન્યઃ @cyberabadpolice)