CoWIN એપ કોરોના-રસીકરણમાં પાયાની ભૂમિકા ભજવશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે કહ્યું છે કે દેશમાં કોરોના વાઈરસ (કોવિડ-19)ની રસી મૂકવાની સમગ્ર પ્રક્રિયા-કાર્યક્રમ પર દેખરેખ રાખવા માટેનું ઓનલાઈન પ્લેટફોર્મ Co-WIN કોરોના-વિરોધી રસીકરણ ઝુંબેશ માટે પાયાની-આધારની ભૂમિકા ભજવશે. CoWIN એપ્લિકેશન નાગરિકલક્ષી હશે જેથી રસી દેશમાં કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે ઉપલબ્ધ થઈ શકશે. દેશમાં રસીકરણની સમગ્ર પ્રક્રિયા નાગરિકો પર આધારિત રખાશે તેથી બધો આધાર Co-WIN એપ પર રહેશે.

ભારતમાં કોરોના રસીકરણ ઝુંબેશની શરૂઆત આવતી 16 જાન્યુઆરીથી કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આને વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમ તરીકે ઓળખાવ્યો છે. આ રસીકરણમાં ત્રણ કરોડ જેટલા સ્વાસ્થ્યકર્મીઓ અને મોખરે રહેતા કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે આજે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ પણ યોજી હતી જેમાં Co-WIN સોફ્ટવેર તથા એના ઉપયોગ અંગે રસીકરણના મોક-ડ્રીલ મારફત એકત્ર થયેલા ફીડબેક અંગે ચર્ચા કરવામાં આવી હતી.