કોવિશીલ્ડ-રસીનો બીજો ડોઝ 4ને બદલે 8-સપ્તાહ સુધીમાં લઈ શકાશે

નવી દિલ્હીઃ કેન્દ્રના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે રાજ્યોની સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રોને જણાવ્યું છે કે તેઓ સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ આપવાનો સમયગાળો વધારી દે. હાલ આ સમયગાળો ચાર-સપ્તાહનો છે, તે વધારીને આઠ-સપ્તાહનો કરવાનું જણાવવામાં આવ્યું છે. મતલબ કે હવે પહેલો ડોઝ લીધા બાદ ચારને બદલે આઠ સપ્તાહની અંદર બીજો ડોઝ લેવાનો રહેશે. વધારે સારા પરિણામ મળે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય નિષ્ણાતોની બે સમિતિ તરફથી કરાયેલી ભલામણના આધારે લેવામાં આવ્યો છે.

એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મળી રહેલા વૈજ્ઞાનિક પુરાવાને ધ્યાનમાં લેતાં કોવિશીલ્ડ કોરોનાવાઈરસ રસીના બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવાની ભલામણ નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન તેમજ નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનસ્ટ્રેશન ફોર કોવિડ-19 તરફથી કરવામાં આવી છે.