મહારાષ્ટ્રમાં દોઢ-લાખ લોકો કોરોના-રસીનો બીજો ડોઝ ચૂકી-ગયા

મુંબઈઃ કોરોનાવાઈરસ બીમારીના ખતરનાક અને વધારે ચેપી એવા ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ્સ ભારતભરમાં તેમજ દુનિયામાં અનેક ઠેકાણે ફેલાયા છે ત્યારે એવી ચોંકાવનારી માહિતી જાણવા મળી છે કે મહારાષ્ટ્રમાં આશરે દોઢ લાખ લોકો કોરોના-પ્રતિરોધક રસીનો બીજો ડોઝ લેવા હાજર થયા નથી. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે આ દોઢ લાખ લોકોમાં 50-60 હજાર લોકો મુંબઈના છે. જે લોકો એમનો બીજો ડોઝ ચૂકી ગયાં છે એમાં કોવિશીલ્ડ અને કોવેક્સીન, એમ બંને રસીનો સમાવેશ થાય છે.

મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ પોતાનો બીજો કોરોના-રસી ડોઝ ચૂકી ગયા હોય એવા 40 હજાર જેટલા લાભાર્થીઓને શોધવાની ઝુંબેશ આ મહિનાના આરંભમાં જ આદરી છે. આરોગ્ય વિભાગના એક સિનિયર અધિકારીનું કહેવું છે કે એ તપાસ કરવી મહત્ત્વનું છે કે બીજા ડોઝ લેનારાઓની સંખ્યા આટલી બધી ઓછી કેમ છે? શું કોઈ ટેકનિકલ ખામીને કારણે આમ થયું છે? રજિસ્ટ્રેશનમાં ડ્યૂપ્લિકેશન થયું છે? રસીનો બીજો ડોઝ લેવામાં લોકોને ડર લાગ્યો છે? કે કોઈ અન્ય કારણ. આવા નાગરિકોને શોધીને એમને બીજો ડોઝ ન લેવા પાછળના કારણોની તપાસ કરવાની કામગીરી બીએમસીના વોર્ડ ઓફિસરોને સોંપવામાં આવી છે. મહારાષ્ટ્રના ડાયરેક્ટોરેટ ઓફ હેલ્થ એન્ડ સર્વિસીસના જોઈન્ટ ડાયરેક્ટર ડો. અર્ચના પાટીલે આ સમાચારને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું છે કે એમનાં વિભાગે રજિસ્ટ્રેશન વખતે લોકોએ એમનાં સંપર્કને લગતી આપેલી વિગતોના આધારે એમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.