સોનિયા ગાંધીએ ખુલીને કર્યો વિરોધ, રાયબરેલીની કોચ ફેક્ટરી નિગમીકરણ એ…

નવી દિલ્હી- યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સરકાર પર રેલવેની બહુમૂલ્ય સંપત્તિઓને ખાનગી ક્ષેત્રને કોડિઓના ભાવે વેચવાનો આરોપ લગાવ્યો. સાથે એ વાત પર અફસોસ પણ વ્યક્ત કર્યો કે, સરકારે નિગમીકરણના પ્રયોગ માટે રાયબરેલીના માર્ડન કોચ કારખાના જેવી એક અત્યંત સફળ પરિયોજનાને પસંદ કરી છે. તેમણે નિગમીકરણને ખાનગીકરણની શરુઆત ગણાવ્યું. સોનિયા ગાંધીએ લોકસભામાં આ વિષયને ઉઠાવ્યો અને કહ્યું કે, સરકાર એક યોજના હેઠળ તેમના સંસદીય વિસ્તાર રાયબરેલીના માર્ડન કોચ કારખાના સહિત રેલવેના કેટલાક ઉત્પાદન એકમોનું નિગમીકરણ કરવા જઈ રહી છે, જે આ એકમોના ખાનગીકરણની શરુઆત છે.

સોનિયા ગાંધીએ કહ્યું જે લોકો નિગમીકરણના યોગ્ય અર્થ નથી જાણતાં તેમને હું જણાવવા માંગીશ કે, આ હકીકતમાં ખાનગીકરણની શરુઆત છે. શ્રીમતી ગાંધીએ કહ્યું કે, આ કારણે હજારો લોકો બેરોજગાર થઈ જશે. વધુ ચિંતા તો એ વાતની છે કે, સરકારે આ પ્રયોગ માટે રાયબરેલીના માડર્ન કોચ કારખાનાની પંસદગી કરી છે,જે સૌથી સફળ પરિયોજનામાંથી એક છે. જેને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વમાં મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે શરુ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, મેક ઈન ઈન્ડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની મહત્વકાંક્ષી પરિયોજના છે. પરંતુ આજે સોનિયા ગાંધીએ લોકસભામાં તેમના ભાષણમાં મેક ઈન ઈન્ડિયા શબ્દનો ઉલ્લેખ કર્યો અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળનો પણ ઉલ્લેખ કર્યો.

સોનિયા ગાંધીએ કહ્યું કે, આ કારખાનામાં આજે તેની પાયાની ક્ષમતાથી વધુ ઉત્પાદન થાય છે. આ ભારતીય રેલવેનું સૌથી આધુનિક કારખાનું છે. સૌથી સારા અને સૌથી સસ્તા કોચ બનાવવા માટે જાણીતું છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, દુ:ખ તો એ વાતનું છે કે, આ કારખાનામાં કામ કરી રહેલા 2000થી વધુ મજૂરો અને કર્મચારીઓ અને તેમના પરિવારોનું ભવિષ્ય સંકટમાં છે. વધુમાં કહ્યું કે, આ સરકારે સંસદમાં અલગથી રેલવે બજેટ રજૂ કરવાની પરંપરા શા માટે બંધ કરી દીધી? મોદી સરકાર પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે, સરકારે આ નિર્ણયને ઊંડુ રહસ્ય બનાવી રાખ્યું છે. કારખાનોના મજૂર યૂનિયનો અને શ્રમિકોને વિશ્વાસમાં પણ ન લીધાં.

તેમણે વધુમાં કહ્યું કે, સાર્વજનિક ક્ષેત્રના એકમો (પીએસયુ)નો પાયાનો ઉદેશ્ય લોક કલ્યાણ છે, ખાનગી પૈસાદાર બિઝનેસમેનોને લાભ પહોંચાડવાનો નથી. પંડિત જવાહરલાલ નેહરુએ પીએસયુને આધુનિક ભારતનું મંદિર કહ્યું હતું. આજે આ જોઈને અફસોસ થાય છે કે, આ રીતે મોટાભાગના મંદિરો ખતરામાં છે. નફો કમાવા છતાં કર્મચારીઓને સમય પર પગાર નથી આપવામાં આવતો અને કેટલાક ખાસ બિઝનેસમેનોને લાભ પહોંચાડવા માટે તેમને સંકટમાં નાખવામાં આવે છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે, એચએએલ, બીએસએનએલ, અને એમટીએનએલ સાથે જે થઈ રહ્યું છે તે કોઈનાથી છુપાયેલું નથી. સરકારને મારી વિનંતી છે કે, રાયબરેલીની કોચ ફેક્ટરી અને સાર્વજનિક ક્ષેત્રની તમામ સંપત્તિઓને સંપૂર્ણપણે રક્ષણ કરે અને તેમને ચલાવનાર મજૂરો અને કર્મચારીઓ તથા તેમના પરિવારો પ્રતિ આદર અને સમ્માન ભાવ રાખે.