મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં બંધ તૂટતાં ગામોમાં પૂર આવ્યું, બેનાં મરણ, 23 જણ લાપતા

મુંબઈ – મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના ચિપલુણ તાલુકામાં ભારે વરસાદને કારણે તિવરે બંધ તૂટતાં આસપાસનાં અનેક ગામોમાં પૂરનું પાણી ફરી વળ્યું છે.

આ દુર્ઘટનામાં બે જણનાં મરણનો અહેવાલ છે અને 23 જણ લાપતા હોવાનું કહેવાય છે.

NDRF જવાનોની બચાવટૂકડીઓ દુર્ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ તથા રાહતકાર્યો ચાલુ છે.

કહેવાય છે કે આશરે 13 ઘરનાં 40 જણ પૂરનાં પાણીમાં તણાઈ ગયા હતા. એમાંથી બે જણનાં મૃતદેહ મળ્યા છે.

ચિપલુણ તાલુકામાં મુસળધાર વરસાદને કારણે મંગળવારની રાતે બંધ છલકાઈ ગયો હતો અને એમાંથી પાણી વહેવા લાગ્યું હતું. ત્યારબાદ બંધમાં ભંગાણ પડતાં સ્થાનિક તલાટીઓએ ગાંવાસીઓને સુરક્ષિત સ્થળોએ જતા રહેવા ચેતવી દીધાં હતાં. એના એકાદ કલાક બાદ બંધ તૂટ્યો હતો અને એનું પાણી આસપાસનાં ગામોમાં ફરી વળ્યું હતું.

ઓવલી, રિકટોલી, આકલે, દાદર, નાંદિવસે, કલકવને સહિતના ગામોમાં પૂરનું પાણી ઘૂસી ગયું છે.

બંધનું પાણી ઘૂસવાથી અનેક ઘરો પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે.

આ ગામોની જનસંખ્યા 3,000 જેટલી છે.

તિવરે બંધ 2000ની સાલમાં બાંધવામાં આવ્યો હતો. તે અલોરે-શિરગાંવ ગામ નજીક ફાટ્યો છે. બંધમાં તિરાડ પડી હોવા વિશે જિલ્લા સત્તાધિશોને અગાઉ જાણ કરવામાં આવી હતી, પણ બંધને રીપેર કરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા.