બોર્ડની પરીક્ષાઓનું હવે શું થશે?

નવી દિલ્હી: દેશમાં પહેલાથી ચાલી રહેલા 21 દિવસના લોકડાઉનને હવે આગામી 3 મે સુધી લંબાવાયુ છે. જેની સીધી અસર બોર્ડની પરીક્ષાઓ અને એન્ટ્રેન્સ પરીક્ષા પર પડશે. તો કેટલાક રાજ્યોમાં બોર્ડની પરીક્ષાઓ, સીબીએસઈ બોર્ડ પરીક્ષા અને CISCEની પરીક્ષાને અગાઉ લોકડાઉનની જાહેરાતને પગલે અધવચ્ચે જ અટકાવી દેવાઈ હતી.

આ સ્થિતિમાં કેટલાક રાજ્યના બોર્ડ દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે, બાકી રહેલા પેપર વગર જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. તો સીબીએસઈએ પણ 10માં ધોરણની બોર્ડના બાકી રહેલા પેપર ન લેવાનો નિર્ણય લીધો હતો. સાથે એમપણ કહ્યું હતું કે, 12માં ધોરણની મુખ્ય વિષયોની બાકી રહેલી પરીક્ષા જ લેવામાં આવશે. તો ઉત્તર પૂર્વ દિલ્હીમાં હિંસાને કારણે ધો.10 12 સીબીએસઈ બોર્ડની પરીક્ષા  જે વિદ્યાર્થીઓ ન હતા આપી શક્યા તેમના માટે ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

આ વર્ષે કુલ 30 લાખ વિદ્યાર્થીઓએ સીબીએસઈ બોર્ડની પરીક્ષા આપી હતી. બોર્ડને બાકી રહેલી પરીક્ષા અંગે પૂછવામાં આવ્યું તો સીબીએસઈના અધિકારીએ કહ્યું કે, આવતીકાલે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.

તો આ તરફ શાળાઓ ક્યા સુધી બંધ રાખવામાં આવશે એ અંગે કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો. ઓડિશા સરકાર પહેલા જ શાળાઓને 17 જૂન સુધી બંધ રાખવાની જાહેરાત કરી ચૂકી છે. એ જોતા હવે સીબીએસઈ સ્કૂલો પણ આ તારીખ પહેલા ખુલવાની આશા નહિવત્ત છે.

એન્જીનિયરિંગ (JEE Main) અને મેડિકલ (NEET)ની પરીક્ષાને પણ કોવિડ 19ને પગલે પહેલાથી જ સ્થગિત કરી દેવામાં આવી છે.

ગયા મહિને જ્યારે વડાપ્રધાન મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી ત્યારે એનટીએ એ કહ્યું હતું કે, તે નીટ અને જેઈઈ મેન પરીક્ષાઓને મે મહિનાના અંતિમ સપ્તાહમાં આયોજીત કરી શકે છે. પરંતુ હવે આજે લોકડાઉન 3 મે સુધી લંબાવવાની જાહેરાતને પગલે આ પરીક્ષાઓની તારીખમાં પણ ફેરફાર થાય તેવી શક્યતા છે. આ સાથે જ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સિસની અન્ય પરીક્ષાઓ પણ હવે લોકડાઉન પછી જ યોજાઈ તેવી શક્યતા છે.