20 એપ્રિલથી કેવીક રાહત અપાશે?

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના વધતા જોખમને ધ્યાનમાં રાખતાં ભારતે લોકડાઉન ત્રીજી મે, 2020 સુધી વધારી દીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એની જાહેરાત કરતાં કહ્યું હતું કે ત્રીજી મે સુધી આપણે બધાએ, દરેક દેશવાસીઓએ લોકડાઉનમાં રહેવું પડશે. આ દરમ્યાન આપણે અનુશાસનનું એ રીતે પાલન કરવું પડશે, જે રીતે આપણે કરતા આવી રહ્યા છીએ. બધાના એ જ સૂચનો છે કે લોકડાઉનને વધારવામાં આવે. કેટલાંક રાજ્યો તો લોકડાઉનને વધારવાનો નિર્ણય કરી ચૂક્યા છે.

20 એપ્રિલ સુધી દરેક વિસ્તારની બારીકાઈથી સમીક્ષા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આગામી એક સપ્તાહમાં કોરોના સામેની લડાઈમાં સખતાઈ વધારવામાં આવશે. 20 એપ્રિલ સુધી દરેક એરિયા, દરેક પોલીસ સ્ટેશન, દરેક જિલ્લા અને દરેક રાજ્યની બારીકાઈથી સમીક્ષા કરવામાં આવશે, જ્યાં લોકડાઉનનું કેટલું પાલન તઈ રહ્યું છે, એ ક્ષેત્રને કોરોનાથી કેટલું બચ્યું છે, એ જોવું પડશે. એ પછી રાહત આપવા માટે નિર્ણય લેવામાં આવશે.

20 એપ્રિલથી કેટલીક કામગીરી માટે છૂટ અપાશે

વડા પ્રદાન મોદીએ કહ્યું હતું કે લોકડાઉન દરમ્યાન જે ક્ષેત્ર આ અગ્નિપરીક્ષામાં સફળ થશે, હોટસ્પોટ નહીં હોય અને જેના હોટસ્પોટમાં પરિવર્તિત થવાની આશંકા પણ ઓછી હશે, ત્યાં 20 એપ્રિલથી કેટલીક કામગીરી માટે મંજૂરી આપવામાં આવશે.

નિયમોનું પાલન કરીને કોરોના રોગચાળાને હરાવાશે

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આપણે શિસ્તતાનું એ રીતે પાલન કરીશું, જેવી રીતે આપણે કરતા આવ્યા છીએ. આપણે હોટસ્પોટ વિસ્તારમાં બહુ સતર્કતા રાખવી પડશે. જે સ્થળો હોટ સ્પોટમાં દબદિલ થવાની આશંકા છે, એના પર આપણે બાજ નજર રાખવી પડશે. આપણે ધીરજ રાખવી પડશે અને નિયમોનું ચુસ્ત પાલન કરીશું તો કોરોના વાઇરસ જેવા રોગચાળાને સાથે મળીને હરાવી શકીશું.

 

કોરોના વાઇરસના 10,363 કેસ, 339 લોકોનાં મોત

દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના અત્યાર સુધી 10,363 કેસો સામે આવ્યા છે અને એને કારણે 339 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. તેમણે કહ્યું હતું કે દેશમાં દવાઓ અને અનાજનો પર્યાપ્ત ભંડાર છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]