નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 19,459 નવા કેસ સામે આવ્યા છે, જે અત્યાર સુધી સૌથી વધુ છે. પાછલા 24 કલાકમાં 380 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 5,48,318 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 16,475 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 3,21,722 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,10,120એ પહોંચી છે. રિકવરી રેટ 58.67 ટકાએ પહોંચ્યો છે.
વિશ્વમાં ચોથો પ્રભાવિત દેશ
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ચોથો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ, રશિયા પછી કોરોના રોગચાળાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત ચોથા સ્થાને છે. ભારતથી વદુ કોરોનના કેસ અમેરિકા (26,37,039), બ્રાઝિલ (13,45,254) અને રશિયા (6,34,437)માં છે. જોકે ભારતમાં કોરોના કેસ વધવાની ઝડપની દ્રષ્ટિએ ત્રીજા નંબરે છે. અમેરિકા અને બ્રાઝિલ પછી એક દિવસમાં સૌથી વધુ કેસ ભારતમાં નોંધાયા છે.
સક્રિય કેસ મામલે ટોચનાં પાંચ રાજ્યો
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં હાલ 2,10,000 કોરોનાના સક્રિય કેસ છે. સૌથી વધુ સક્રિય કેસો મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 68,000થી વધુ સંક્રમિતોની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. ત્યાર બાદ દિલ્હીમાં, તામિલનાડુ, ગુજરાત અને પાંચમા ક્રમે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સક્રિય કેસો સૌથી વધુ છે.
વિશ્વમાં કોરોનાથી એક કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત
વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 5,04,410 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 1,02,43,858 પહોંચી છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.