નવી દિલ્હીઃ કોરાના વાઇરસને કારણે હવે દેશની ટેક્સ વસૂલાતમાં પણ ઘટાડાની આશંકા સેવાઈ રહી છે. શેરબજારમાં પાછલા 10 દિવસોમાં આશરે 9500 પોઇન્ટ ઘટી ચૂક્યા છે, ત્યારે કેટલીય સરકારી કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટ કાર્યક્રમમાં પહેલાની તુલનાએ ઓછું કલેક્શન છે. આ સાથે કોરોનાને કારણે ટેક્સ વસૂલાતમાં ઘટાડો થશે એ નક્કી છે, પણ કેટલો થશે એ કહેવું અત્યારે જરા વહેલું છે. આ વર્ષે નહીં પણ આવતા વર્ષના ટેક્સ વસૂલાતમાં પણ કોરોનાની અસર દેખાશે.વિશ્વનાં બે અર્થતંત્રોના ગ્રોથમાં ઘટાડો થશે
કોરોના વૈશ્વિક રોગચાળો છે, ત્યારે વિશ્વનાં બે મોટા અર્થતંત્રો- અમેરિકા અને ચીન પર એની અસર છે. વૈશ્વિક એજન્સીઓના અહેવાલ અનુસાર ચીનનો ગ્રોથ 0.4 ટકા, અમેરિકાનો ગ્રોથ 0.2 ટકા તથા ભારતનો ગ્રોથ 0.1 ટકા ઘટશે. કોરોનાથી ઔદ્યોગિક ઉત્પાદન અને વૈશ્વિક વેપારમાં ચોક્કસ ઘટાડો થશે.
દેશની નિકાસમાં 10 અબજનો ઘટાડો
ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય ચીજવસ્તુઓની નિકાસમાં પાચલા વર્ષની તુલનાએ કમસે કમ 10 અબજ ડોલરનો ઘટાડો થવાની શક્યતા છે. જીએસટી વસૂલાતમાં પણ ત્યારે જ વધારો થશે, જ્યારે ચીજવસ્તુઓના વેચાણમાં વધારો થાય. કોરોનાને કારણે માગમાં પણ ઘટાડાના સંકેત મળી રહ્યા છે.
કોરોનાની અસર ટુરિઝમ ઉદ્યોગ પર
કોરોનાને કારણે વિશ્વના દેશોએ સાવચેતીના ભાગરૂપે વિદેશી પ્રવાસીઓ પર પાબંધી લગાડી દીધી છે. જેથી કોરોનાની અસર રેસ્ટોરાં, હોટેલ અને ટુરિઝમ ક્ષેત્ર પર પ્રતિકૂળ અસર પડશે, જેથી સર્વિસ ક્ષેત્રે વસૂલાતમાં પણ ઘટાડો થશે. ભારતમાં માત્ર વિદેશી પર્યટકોથી 30 અબજ ડોલર (આશરે રૂ. 21 લાખ કરોડ)ની કમાણી કરે છે.
ચીનથી આયાતમાં ઘટાડો
ચીનની સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. ભારતીય આયાતકારોએ સાવચેતીરૂપે ચીનથી આયાતમાં કાપ મૂક્યો છે. જેથી જીએસટી વસૂલાતમાં ઘટાડો થશે. ફેબ્રુઆરીમાં આયાત ઘટાડાથી આઇજીએસટીમાં બે ટકા ઘટાડો આવ્યો હતો.
જીસએટી ટેક્સ લક્ષ્ય હાસલ કરવા માટે ફેબ્રુઆરી મહિનામાં રૂ. 1.15 લાખ કરોડ તો માર્ચમાં રૂ. 1.25 લાખ કરોડની વસૂલાતની જરૂર હતી, પણ ફેબ્રુઆરીમાં રૂ. 1.05 લાખ કરોડની વસૂલાત રહી હતી, જે લક્ષ્યથી રૂ. 10,000 કરોડ ઓછી હતી.