નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઈરસનું સંક્રમણ ખૂબ જ ઝડપે ફેલાઈ રહ્યું છે, આ સ્થિતિમાં શહેરોમાં ફરીથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. દેશના કેટલાક શહેરોમાં આજથી કડક અમલ સાથે લોકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખતા યૂપી સરકારે સપ્તાહમાં બે દિવસ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો આદેશ આપ્યો છે.
મહત્વનું છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ વિશ્વભરમાં હજુ સ્થિતિ વધુ બગડવાની વાત કહી છે. આ સ્થિતિમાં સરકાર પાસે લોકડાઉનનો એકમાત્ર વિકલ્પ બચ્યો છે. ઘણા રાજ્યોએ મંગળવારથી ફરીથી લોકડાઉન લાગૂ કરી દીધું છે. આ વખતે જે શહેરોમાં કોરોના સંક્રમણના કેસો વધુ છે ત્યાં લોકડાઉનના નિયમો કડક બનાવાયા છે.
ગુજરાતના અમદાવાદ, વડોદરા, અને સુરતમાં સરકારી બસ સેવા ફરીથી બંધ કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક દિવસમાં 191 નવા કેસો નોંધાતા આજે સાંજે 7 વાગ્યાથી એક સપ્તાહ માટે સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. જે એકદમ કર્ફ્યુ જેવું હશે. તો આજે રાતેથી દક્ષિણ કર્ણાટકમાં એક સપ્તાહનું લોકડાઉન લાગૂ કરવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવાડમાં આજ રાતથી 10 દિવસનું લોકડાઉન લાગૂ કરવામાં આવશે. આ ઉપરાંત વારાણસીમાં પાંચ દિવસ સુધી અડધા દિવસનું લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. તો આ તરફ જમ્મુ કશ્મીરમાં ફરીથી લોકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. આ રીતે દેશના ઘણા રાજ્યોએ તેમના શહેરોમાં લોકડાઉન લગાવ્યું છે. જો સ્થિતિ આવી જ રહેશે તો ફરી એક વખત સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી શકે છે. કારણ કે ભારતમાં હવે ખૂબ જ ઝડપે કોરોના ફેલાઈ રહ્યો છે.