નવી દિલ્હીઃ એક તરફ ભારત સહિત દુનિયા આખી વૈશ્વિક મંદી સામે કેવી રીતે બહાર આવવાના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે કોરોના વાઇરસને કારણે નોકરીઓ પર વધુ એક જોખમ ઊભું થયું છે. આ વાઇરસને કારણે વિશ્વભરમાં વેપાર-ધંધા પર પ્રતિકૂળ અસર પડી છે. દેશમાં પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ચિંતામાં છે, કેમ કે જોખમ માત્ર વેપાર-ધંધામાં નુકસાનનું નહીં પણ નોકરીઓ જવાનું છે. હોટલ, વેપાર, ટૂર એન્ડ ટ્રાવેલ કંપની અને એરલાઇન્સ પર પ્રતિકૂળ અસર પડી છે. ત્રણે ક્ષેત્રોમાં મંદી છવાયેલી છે, જેથી નોકરીઓ જવાનું જોખમ ઊભું થયું છે.
ટ્રાવેલ્સ કંપનીમાં કામ કરતા કર્મચારી ચિંતામાં
ટૂર અને ટ્રાવેલ્સમાં 20 વર્ષથી નોકરી કરતા જય ગણાત્રા હાથ નીચેના કર્મચારીઓના ભવિષ્યને લઈને ચિંતિત છે અને પોતે પણ ડરેલા છે. માર્ચ અને એપ્રિલમાં ઇન્ક્રિમેન્ટ થાય છે, પણ હવે નોકરી જવાનું જોખમ છે.એરલાઇન્સના ઉદ્યોગમાં 70થી 80 ટકાનો ઘટાડો થયો છે. બીજી એક એર ટ્રાવેલ્સના ડિરેક્ટરે કહ્યું હતું કે હાલ છટણી તો નથી થઈ, પણ વગર પગારે રજા આપવાનો કે પગારમાં કાપ મૂકવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
ટુરિઝમ અને હોસ્પિટલિટી ક્ષેત્રે કુલ રોજગાર આઠ ટકા
ઇન્ડિયા બ્રાન્ડના ડિસેમ્બર, 2019ના અહેવાલ મુજબ ટુરિઝમ અને હોસ્પિટલિટી ક્ષેત્રે 2017માં ચાર કરોડથી વધુ લોકોને નોકરીઓ મલી હતી, જે જેશમાં કુલ રોજગારના આઠ ટકા છે. આટલા મોટા ક્ષેત્રમાં મંદી લાંબી ચાલી તો મોટા પાયે બેરોજગારીનું જોખમ ઊભું થશે.