નવી દિલ્હીઃ સંસદસભ્યોને નવું સંસદભવન મળવાનું છે. નવા સંસદભવનના શિલાન્યાસ માટે 10 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પૂજા કરવાના છે, પણ આ ભૂમિપૂજનનો અનેક વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે. એમનું કહેવું છે કે ભૂમિપૂજન પહેલાં સર્વધર્મ પ્રાર્થના થવી જોઈએ.
અન્ય ધર્મના નેતાઓને પણ બોલાવવામાં આવે
કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ કહ્યું છે કે જો વડા પ્રધાન ભૂમિપૂજન કરી રહ્યા છે, તો હું તેમને અન્ય ધર્મોના નેતાઓને પણ આમંત્રિત કરવાનો આગ્રહ કરીશ, જેથી દેશમાં રહેતો દરેક શખ્સ નવા સંસદભવન પ્રત્યે લાગણી અનુભવી શકે.
એનસીપીના નેતા મજિદ મેમનનું કહેવું છે કે જો ભૂમિપૂજન પૂર્વે તમામ ધર્મોના લોકોની એક પ્રાર્થનાસભાનું આયોજન થવું જોઈએ. તૃણમૂલ કોંગ્રેસે નવા સંસદભવનના ભૂમિપૂજન કાર્યક્રમનો વિરોધ કર્યો છે. પાર્ટીએ એને ધર્મનિરપેક્ષતા વિરુદ્ધનું જણાવ્યું છે.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ એ વાતની પુષ્ટિ કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે નવા સંસદભવનના શિલાન્યાસ સમારોહમાં સામેલ થશે અને એનું ભૂમિપૂજન કરશે. નવા સંસદભવનની ઈમારત ધરતીકંપના આંચકા સામે ઝીંક ઝીલી શકે એવું મજબૂત બનાવાશે. એને રૂ. 971 કરોડના ખર્ચે 64,500 સ્ક્વેર મીટર વિસ્તારમાં બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ ટાટા પ્રોજેક્ટસ લિ.ને આપવામાં આવ્યો છે. નવા ભવનમાં લોકસભા સભ્યો માટે આશરે 888 સીટો હશે અને રાજ્યસભાના સભ્યો માટે 326થી વધુ સીટો હશે. લોકસભા હોલમાં એકસાથે 1,224 સભ્યો બેસી શકશે.