‘ભારત બંધ’માં ગુજરાત નહીં જોડાય: રૂપાણીની જાહેરાત

અમદાવાદઃ ખેડૂત આંદોલન અને ભારત બંધ અંગે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું હતું કે ખરેખર આ આંદોલનમાં ખેડૂતોનું માત્ર નામ છે બાકી રાજકીય રીતે સમગ્ર આંદોલન ચાલી રહ્યું છે. આવતી કાલે ગુજરાતમાં બધું ચાલુ રહેશે, બંધને નામે કાયદો અને વ્યવસ્થા બગાડનાર સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ ‘ભારત બંધ’ એ વિપક્ષનું ષડયંત્ર છે. કોંગ્રેસ દરેક વખતે પોતાનાં વલણ બદલે છે. કોંગ્રેસ મોદી સરકારને અસ્થિર કરવા માગે છે. કોંગ્રેસ ઉપર કોઈને ભરોસો નથી. જે ચૂંટણીનાં પરિણામોએ સાબિત કરી આપ્યું છે.

મોદી સરકાર સામે દેખાડો કરવા માટે અને ખેડૂતોને ભડકાવવા માટે આ પ્રકારનું આંદોલન કરવામાં આવી રહ્યું છે. મોદી સરકારે MSPના આધારે ખરીદી કરી છે. જો ભારત બંધના નામે બંધના નામે કોઈએ જો બળજબરીથી બંધ કરાવાશે તો તેની સામે કેસ થશે.

કોંગ્રેસે જ 2019ના ચૂંટણી ઢંઢેરામાં એગ્રિકલ્ચર એક્ટમાં બદલાવની વાત કહી હતી. જે મોદી સરકારે કર્યું છે તેની વિરુદ્ધ કોંગ્રેસ આંદોલન કરવા નીકળી છે. 2013માં રાહુલ ગાંધીએ કોંગ્રેસના મુખ્ય પ્રધાનોની મીટિંગમાં કહ્યું હતું કે એપીએમસી એક્ટને ખતમ કરી નવા કાયદાઓ કરવાની વાત કરી હતી. મોદી સરકારના શાસનમાં ત્રણ વર્ષમાં 15 હજાર કરોડથી વધુની એમએસપીથી ખરીદી થઈ છે. જેનાથી ખેડૂતો સંતુષ્ટ છે. આ ખેડૂતોના નામે કોંગ્રેસ આંદોલન કરી રહી  છે.

 કાયદો હાથમાં લેનારાની ખેર નથી

પ્રજાને અપીલ કરીએ છીએ કે હાલમાં શું ચાલી રહ્યું છે તેનાથી જાગ્રત થાવ. જે લોકો ખેડૂતોને નામે ભડકાવવા માટે કાયદો હાથમાં લેશે અને પૂરતો બંદોબસ્ત માગશે તો અમે એ પૂરો પાડીશું.